અમરેલી : રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, કાર અને બાઇક વચ્ચે સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલા સહિત આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું.
અકસ્માતો અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રોંગ સાઇડમાંથી આવી રહેલી સ્વીફ્ટ કાર એસ.ટી. બસ સાથે ટકરાતા કારમાં સવાર ત્રણેય લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બાઇક ચાલક બસની પાછળ ઘૂસી જતાં ઇજા પહોંચી હતી. કારમાં સવાર લોકો દીવ તરફથી આવી રહ્યા હતા. મૃતકો પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં એસટી ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.