ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા વિરાટ અને અનુષ્કા

Rudra
By Rudra 2 Min Read

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે (12 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. બંને જણ સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતાં.

ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ અને શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોહલીના રિટાયરમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી. બીસીસીઆઈ સતત તેને મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું, પણ કોહલીએ સોમવારે સત્તાવાર ધોરણે ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ જાહેરાતની થોડી જ ક્ષણો બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે મુંબઈ એરપોર્ટ પર હળવાશની પળોમાં જાેવા મળ્યો હતો.

ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજને મળવા અને આશીર્વાદ લેવા રાધાકેલુકુંજ આશ્રમ પહોંચ્યો હતો. સવારે લગભગ છ વાગ્યે ત્યાં પહોંચ્યો હતો. અને સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી ત્યાં રોકાયો હતો. આશ્રમમાંથી બહાર આવ્યા બાદ કોહલી બારાહ ઘાટના સંત પ્રેમાનંદના ગુરૂ ગૌરાંગી શરણ સાથે પણ મુલાકાત કરી હતી. અને તેમના આશીર્વાદ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી ત્રીજી વખત વૃંદાવનમાં મહારાજજીને મળ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ વિરાટ ત્યાં પહોંચ્યો હતો. જાન્યુઆરી, 2023માં પણ વિરાટ મહારાજજીની મુલાકાત કરવા વૃંદાવન ગયો હતો. પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ બાદ કોહલીએ આશરે ત્રણ વર્ષ બાદ પહેલી સદી ફટકારી હતી. શ્રીલંકા વિરૂદ્ધ વનડે ઈન્ટરનેશનલમાં કોહીલએ 160 રન ફટકાર્યા હતા.

મહત્વનું છે કે આઈપીએલ 2025માં વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ તરફથી રમી રહ્યો છે જ્યારે આ વખતની સિઝનમાં વર્ષો બાદ આ વખતે આરસીબી ફૉર્મમાં જાેવા મળી છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી. પણ હવે 17મેના રોજ આઈપીએલ લીગ ફરીથી શરૂ થશે. બેંગ્લુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આરસીબીની આગામી મેચ કોલકાતા નાઈટરાઈડર્સ સાથે છે. 11 મેચોમાં 505 રન ફટકારી વિરાટ કોહલી હાલ ઓરેન્જ કેપની રેસમાં ચોથા ક્રમે છે. પ્રથમ ક્રમે સૂર્યકુમાર યાદવ 510 રન સાથે છે.

Share This Article