આદમપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે IAF આદમપુરની મુલાકાત લીધી હતી. મોદીએ કહ્યું, “હિંમત, દૃઢનિશ્ચય અને ર્નિભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવાનો અનુભવ ખૂબ જ ખાસ હતો.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું “આજે સવારે, મેં IAF આદમપુરની મુલાકાત લીધી અને આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. સાહસ, દૃઢનિશ્ચય અને નિડરતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવાનો અનુભવ ખૂબ જ ખાસ હતો. ભારત આપણા સશસ્ત્ર દળોનો હંમેશા આભારી રહેશે, જેઓ આપણા દેશ માટે બધું જ કરે છે.”
વાયુસેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં જોવા મળ્યા હતા. જવાનોએ તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં વડાપ્રધાન મોદીની એક તસવીર વાયરલ થઈ હતી. તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના વિમાનના ફોટો આગળ ઊભા છે. આ વિમાનની ઉપર એક સ્લોગન લખ્યું છે કે, દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એર બેઝની મુલાકાત લીધી હતી. આદમપુર એર બેઝની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીને વાયુસેનાના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ઓપરેશનમાં સામેલ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.
આદમપુર એરબેઝથી વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, જે પાકિસ્તાની સેના આતંકવાદીઓના ભરોસે બેઠી છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ તેને પોતાની તાકાત બતાવી દીધી છે. પાકિસ્તાનમાં કોઈ એવું સ્થળ બચ્યું નથી, જ્યાં આતંકવાદીઓ આરામની ઊંઘ લઈ શકશે. અમે ઘરમાં ઘૂસીને મારીશું અને તેમને બચવાની એક પણ તક આપીશું નહીં. સાથે જ વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આધુનિક સૈન્ય ક્ષમતાઓના વખાણ કર્યા હતાં. તેમણે પાકિસ્તાનને ચીમકી આપી હતી કે, આપણી ડ્રોન, આપણી મિસાઇલના વિચાર માત્રથી પાકિસ્તાનની અનેક રાતોની ઊંઘ ઉડી ગઈ. ભારત બુદ્ધની ધરતી છે. ગુરુ ગોવિંદ સિંહજીની ધરતી છે. અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના માટે શસ્ત્ર ઉઠાવવા આપણી પરંપરા છે. આથી જ્યારે અમારી બહેન-દીકરીઓનું સિંદૂર છીનવાયું, ત્યારે અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યા. તે ડરપોકની જેમ છુપાઈને આવ્યા હતા. તેઓ ભૂલી ગયા કે, તેમણે જેને છંછેડ્યા છે, તે હિંદની સેના છે. આપણે તેમને સામી છાતીએ હુમલો કરીને માર્યા છે. આતંકવાદના તમામ મોટા ઠેકાણાંઓ નષ્ટ કર્યાં. 100થી વધુ આતંકવાદીઓને માર્યા. આતંકના વડાઓ હવે સમજી ગયા છે કે, ભારતની સામે નજર ઉઠાવરનારાઓની શું હાલત થશે. તબાહી…ભારતમાં નિર્દોષ લોકોની હત્યાનું એક જ પરિણામ છે – વિનાશ અને મહાવિનાશ.
ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દેશો વચ્ચે તનાવન સમયમાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી.