24 અને 25 એપ્રિલ 2025 ના રોજ, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) ની એક સમીક્ષા ટીમે રાજ્યમાં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ (RSETI) ના અમલીકરણ અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતની મુલાકાત લીધી. આ મુલાકાત રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર ચાલુ તાલીમની અને પ્લેસમેન્ટની પ્રવૃત્તિઓની ગુણવત્તા, પારદર્શિતા અને ગ્રામીણ ઉપલબ્ધી પર ભાર મૂકી રહી છે. ટીમે યોજનાના ગ્રાઉન્ડ-લેવલ અમલીકરણ અને અસરને સમજવા માટે તાલીમ ભાગીદારો, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની (GLPC) ના અધિકારીઓ અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી.
આ ચર્ચામાં આગામી વર્ષ માટે આગળ વધવાના માર્ગ, જેમાં તાલીમ વિતરણમાં વ્યૂહાત્મક સુધારા, મજબૂત પ્લેસમેન્ટ જોડાણો અને ઉત્તમ રોજગાર માટે ગ્રામીણ યુવાનોને સહયોગ આપવા જેવા મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા. DDU-GKY ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હાલમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે, જે ૧૮-૩૫ વર્ષની વયના ગ્રામીણ યુવાનોને ૭૦ થી વધુ નોકરીઓમાં નિઃશુલ્ક કૌશલ્ય વિકાસ તાલીમ આપે છે, જેનો ઉદ્દેશ રોજગાર ક્ષમતા વધારવા અને ગૌરવપૂર્ણ આજીવિકા સુનિશ્ચિત કરવાનો છે.