અમદાવાદ : આવનારી ફિલ્મ “જય માતાજી લેટસ રોક” ની રિલીઝ ડેટ જાહેર થઇ ત્યારથી જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોની મુખ્ય ભૂમિકા દર્શાવતી 9 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. ઉલ્લેખનીય છે કે માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું, જેણે દર્શકોમાં સારો બઝ ક્રિએટ કર્યો.
ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે. આ મજેદાર કોમેડી- ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર્સ સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે. મનીષ સૈની અને આકાશ જેએચ શાહ નિર્મિત તથા અને સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લિખિત છે. ઉપરાંત, આ ફિલ્મના એસોશિએટ પ્રોડ્યુસર અનિરુદ્ધ સિંહ રહેવાર છે. ઉત્કર્ષ મઝુમદાર, આર્યન પ્રજાપતિ, શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે. આ ફિલ્મનું મ્યુઝિક નાઈટ સોન્ગ રેકોર્ડ્સ દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મના ગીતોના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લખાયા છે.
ટ્રેલર જોતાં ખ્યાલ આવે છે કે, આ ફિલ્મમાં 80 વર્ષના દાદીની અનોખી સફર છે , જેમનું શાંત અને સરળ જીવન એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલપાથલ થઈ જાય છે. દાદી હવે જીવન પોતાના ધોરણે જીવવા નક્કી કરે છે, અને એ સાથે શરૂ થાય છે મજા, મસ્તી અને પરિવારિક ઉતાર-ચઢાવથી ભરપૂર સફર. ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્ત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ પણ છે.”
ડિરેક્ટર મનીષ સૈની જણાવે છે કે, “આ ફિલ્મમાં અમે પરિવારીક સબંધો અને સમાજની ગૂંચવણોને મસ્તીમાં વણાયેલી અદ્ભૂત શૈલી સાથે રજૂ કરી છે. એક 80 વર્ષની દાદી, પણ એ સામાન્ય દાદી નથી! તે જિંદગી પોતાની શરતો પર જીવવા તૈયાર છે. ફિલ્મની કાસ્ટ સહીત સમગ્ર ટીમ એ અદભુત કામ કર્યું છે. અમારી આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શકો માટે આ એક અનોખું મનોરંજન બનશે, જે હસાવશે પણ સાથે વિચારવા પણ મજબૂર કરશે.”
ફિલ્મનું ટ્રેલર આપણને હસાવે છે, પણ એ પાછળ છૂપાયેલ સંદેશ આપણા હ્રદયને સ્પર્શે છે. “જય માતાજી લેટસ રોક” એ હાસ્યથી શરૂ થતી, લાગણીઓ સુધી પહોંચતી એક ફિલ્મ છે – જે દરેક પેઢીને કંઈક કહે છે.
ગુજરાતી સિનેમામાં પારિવારિક હાસ્ય અને અર્થસભર સંદેશ લઈને આવી રહેલી ફિલ્મ ‘જય માતાજી લેટસ રોક’ – 9 મે, 2025થી તમારા નજીકના સિનેમાઘરોમાં.