વોશિંગ્ટન : અમેરિકામાં ગેરકાયદે વસેલા વિદેશીઓ જો સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને અમેરિકા પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી થોડી રકમ પણ આપશે. તે સારા માણસોને મદદ કરવા હું તૈયાર છું. તેમ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું. આ રીતે પ્રમુખે અમેરિકામાં વસેલા ગેરકાયદે વસાહતીઓ પ્રત્યે પહેલી જ વાર કુણું વલણ દાખવ્યું હતું.
તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકાર પોતે તેમના દેશમાં પાછા ફરનારાઓને હવાઈ ટિકિટ અને ભથ્થું આપશે. અમેરિકાના આ પગલાને ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોને તેમના દેશમાં પાછા મોકલવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી સારા લોકો માટે કાયદેસર રીતે અમેરિકા આવવાનો માર્ગ ખુલશે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે તેઓના ચૂંટણી પ્રચાર દરમિયાન જ અમેરિકનોને વચન આપ્યું હતું કે, તેઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા તમામ વિદેશીઓને દેશ નિકાલ કરશે. કારણ કે તેઓ મૂળ-અમેરિકન યુવાનોની રોજી રોટી છીનવે છે.
ટ્રમ્પે કહ્યું કે સરકાર તેમને ભથ્થું આપશે. તેમને થોડા પૈસા અને વિમાનની ટિકિટ પણ આપવામાં આવશે. પછી સરકાર તેમની સાથે કામ કરશે. જાે તેઓ સારા છે અને સરકાર તેમને પાછા બોલાવવા માંગે છે, તો તેમને ટૂંક સમયમાં પાછા બોલાવવાના રસ્તા શોધી કાઢવામાં આવશે.ટ્રમ્પ દ્વારા આ ઇમિગ્રન્ટ્સ અંગે અગાઉ લેવામાં આવેલા કડક પગલાંને બદલે ઇમિગ્રન્ટ્સ માટે કાયદેસર રીતે પાછા ફરવાનો આ એક સારો માર્ગ તરીકે જાેવામાં આવી રહ્યો છે. જોકે, આ યોજના ક્યારે લાગુ થશે અને તેના પાત્રતા માપદંડ શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી.