૧૨મી મે એ થયેલ કર્ણાટકની ચૂંટણીમાં ૭૨.૧૩ ટકા મતદાન થયું છે જેણે પાછલા તમામ વિક્રમો તોડી નાંખ્યા છે, તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું. ૧૯૫૨થી અત્યાર પર્યન્ત કોઈ ચૂંટણીમાં આટલું ઊંચુ મતદાન થયું નથી, મહિલા અને યુવાન મતદારોએ તેમના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સંજીવકુમારે પત્રકારોને વિગત આપતા કહ્યું કે ગઈકાલે મધ્યરાત્રી સુધી મતદાન પછીની કાર્યવાહી ચાલી હતી જેમાં આખરે ૭૨.૧૩ ટકા મતદાન થયાનું સિદ્ધ થયું હતું. ૧૯૫૨ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદની મતદાનની આ સૌથી ઉંચી ટકાવારી છે.
૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ૭૧.૪૫ ટકા મતદાન હતું જે વિધાનસભાની ગત છ ચૂંટણીમાં સૌથી ઉંચુ હતું. ૨૦૦૪ની તેમજ ૨૦૦૮ની ચૂંટણીમાં ૬૫ ટકા જ્યારે ૧૯૮૯ અને ૧૯૯૪ની ચૂંટણીમાં ૬૯ ટકા મત પડયા હતા. ૧૯૯૦માં પણ ૬૯ ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો ૧૫મી મેએ જાહેર થશે.