વિશ્વ રંગભૂમિ દિવસે અમદાવાદ સ્થિત વિશાલાને 48માં વર્ષ પ્રવેશ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, છેલ્લા 5 દાયકાથી વિશાલાએ ગુજરાતના કલા-સંસ્કૃતિ-કસબને જાળવવાનો ઉપક્રમ સર્જ્યો છે એ ખૂબ જ સરાહનીય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘વિકાસ ભી વિરાસત ભી’નો મંત્રને આ કાર્યક્રમ થકી સાકાર થયો છે. વિશ્વ રંગભૂમિ દિવસના અવસરે કલા-પરંપરા સાથે જોડાયેલા કલાકારોને સન્માનિત કરવાનો અવસર મને મળ્યો છે. એટલું જ નહિ, આજનો આ સન્માન સમારોહ દરેક કલાકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર પણ છે.


આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, ‘વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ, નિર્માણાધીન ખુરશી મ્યુઝિયમ, ગાંધીમિત્ર એવોર્ડનું વિતરણ સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન કરવું એ વિશાલાની પરંપરા રહી છે. આ સાથે વિશાલા દ્વારા રંગભૂમિના કલાકારોના સન્માન કરવામાં આવી રહ્યું છે એ પણ એક સરાહનીય પહેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આયોજન બદલ સુરેન્દ્રભાઈ પટેલ તેમજ ટીમ વિશાલાને અભિનંદન પણ પાઠવ્યા હતા.
રંગભૂમિના યોગદાન વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાટક એવી સક્ષમ કલા છે જે મનોરંજનથી ઉપર ઊઠીને સમાજમાં ક્રાન્તિ ફેલાવી શકે છે. દેશમાં સુધારાની ચળવળ હોય, સ્વતંત્રતાનો સંગ્રામ હોય કે પછી જનજાગૃતિ હોય, રંગભૂમિના કલાકારોએ હંમેશાં સમાજ માટે મોટી જવાબદારીઓ નિભાવી છે અને સમાજમાં ક્રાન્તિકારી પરિવર્તનો લાવવામાં રંગભૂમિએ ખુબ મોટું યોગદાન આપ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા વિવિધ અભિયાનો અંગે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત-સ્વસ્થ વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે અને સ્વચ્છ ભારત અભિયાન, જળસંરક્ષણ માટે કેચ ધ રેઈન, પર્યાવરણ-જાળવણી માટે એક પેડ માં કે નામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે મેદસ્વીતા-મુક્ત ભારતનું આહવાન કર્યું છે ત્યારે સૌ કલાકાર આ અભિયાનોને નાટક, સ્ટ્રીટ-પ્લે, સ્કીટ જેવા પ્રયોગોથી વધુને વધુ લોકો સુધી પહોંચાડશે અને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતી રંગમંચના 11 પ્રખર કલાકારો જેમ કે, રાગિની શાહ, હરીશ ભિમાણી, સિધ્ધાર્થ રાંદેરિયા, જૈમિની ત્રિવેદી, સુભાષ બ્રહ્મભટ્ટ, દીપ્તિ જોષી બ્રહ્મભટ્ટ, જપસ્વીની શુક્લ, વિહંગ મહેતા, સતીશ દેસાઈ, એસ.એ. કાદરી, સ્મિતા શર્મા તેમજ યુવા કલાકારો કરણ પટેલ અને જીયા ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ સાથે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર પદ્મશ્રી તુષાર શુક્લ તેમજ કલાગુરુ ઈલાક્ષી ઠાકોરનુ પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનિત થયેલા કલાકારો તેમજ સૌને વિશ્વ રંગભૂમિ દિનની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે વિશાલના ઓનર સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલા થીમ રેસ્ટોરન્ટનો જન્મદિવસ એક યોગાનુયોગ છે. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા અને એના સાથે મળી ભોજન કરવાનો એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટેનું એવોર્ડ સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, વિચાર ટ્રસ્ટ અને વિશાલા છેલ્લા સતત 12 વર્ષથી એવોર્ડ સમારોહનું આયોજન કરતું આવ્યું છે.


આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાલામાં આવેલા સંગ્રહાલયની મુલાકાત લીધી હતી તેમજ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું મયુર નૃત્ય પણ નિહાળ્યું હતું
આ અવસરે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુભાઈ વાઘાણી, વિશાલા તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો, રંગમંચના કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.