મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આજના વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા વિવિધ ક્ષેત્રના આશરે ચારસો જેટલા કલાકારોનું ગાંધીનગર ખાતે સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ કલાકારોનું વડનગરના પ્રસિદ્ધ તોરણના સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રકારના ‘કલાકાર સ્નેહમિલન’ દર વર્ષે આયોજિત કરવાનું પ્રેરક સૂચન કરતાં જણાવ્યું કે, ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આ અવસરે કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પરંતુ રાજ્ય પુરસ્કૃત રાખવાની રાજ્ય સરકારની નેમ પણ દર્શાવી હતી.