સુરત : સુરતના સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર ૧૩ પર પેપર મીલમાં કામ કરતાં મહિલાના બાળકને પોતાની આંખ સામે એક ટેમ્પોચાલકે ગાડી ચઢાવી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર ૧૩ પર આવેલ એક પેપરમીલ ખાતે એક મહિલા કામ કરતી હતી. મહિલા પોતાના બાળકને વ્યવસ્થિત જગ્યાએ સૂવડાવીને કામ કરી રહી હતી. એવામાં પેપરમીલનો જ ટેમ્પોચાલક આવ્યો અને બાળકને કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો. સામેથી તેની માતા ટેમ્પોચાલકને બૂમો પાડતી દોડીને આવી ત્યાં સુધી તે ફરાર થઈ ગયો હતો અને તેનું બાળક લોહી લોહાણ હાલતમાં પડ્યું હતું. બાદમાં તાત્કાલિક ધોરણે બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. પરંતુ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકનું મોત નિપજ્યું હતું.
આ ઘટના બાબતે સમાચાર મળતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે સચિન GIDC પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ ટેમ્પોચાલકને શોધી રહી છે. બાળકના મૃતદેહને હાલ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોતાના વ્હાલસોયાની મોતથી માતા-પિતા રડી-રડીને બેહાલ થયા છે. પરિવારે ટેમ્પોચાલક માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.