કેડિલા ફાર્માસ્યુટીકલ્સના સ્થાપક ઇન્દ્રવદન મોદી અને તેમના ધર્મપત્ની શ્રીમતી શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં ધોળકા ખાતે નિર્મિત ઇન્દ્રશીલ સનાતન ધર્મ મંદિર અને શાંતિવન ખાતે તારીખ 13 માર્ચ, 2025 ના રોજ મંદિરના દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ મંદિર પરિસરને બે વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે તેના પાટોત્સવ નિમિત્તે દિવસ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ , ભવ્ય શોભાયાત્રા, વૈદિક હોળી દહન અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યું હતું
શોભાયાત્રા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે શરૂ થઈ ત્રાંસદ રોડ પર આવેલા સનાતન ધર્મ મંદિર પહોચી હતી જેનું માર્ગમાં અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નરેન્દ્ર પરમાર સહિત સ્ટાફના સભ્યોએ આરતી ઉતારી મહાદેવના આશિર્વાદ લીધા હતા. શોભાયાત્રામાં ધોળકા નગર અને આસપાસના ગામોના 30 જેટલા ભજન અને મહિલા મંડળો જોડાયા હતાં.
હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સવારે 9 10.00 વાગે શરૂ થઈ સાંજે 5.00 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
લઘુરુદ્ર બાદ સાંજે 6.30 વાગ્યાથી દર્શન યોગ ધામ, લાકરોડા અને આર્ય સમાજના સહકાર અને માર્ગદર્શનમાં વેદના પવિત્ર મંત્રોના ગાન વચ્ચે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં વાતાવરણને શુદ્ધ અને પવિત્ર કરતી આયુર્વેદિક અને ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ હોમવામાં આવી હતી. આ ઉપરાંત વેદિક પરંપરામાં હોળી પર્વના આયોજનના મૂળભૂત ઉદ્દેશ વિશે તથા વડ, પીપળો, ઉમરો, આંબો વગરે વૃક્ષોના લાકડાં તથા ઔષધિય વનસ્પતિઓના લાકડાના ઉપયોગથી થતા પર્યાવરણીય તથા આરોગ્ય વિષયક લાભોની સમજ આપવામાં આવી હતી
આ પાટોત્સવને વધુ ભક્તિપૂર્ણ અને આનંદદાયક બનાવવાના હેતુથી રાત્રે 9.00 વાગ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામા આવ્યું હતું, જેમાં પ્રસિદ્ધ કલાકારો શ્રી નરેન્દ્રદાન ગઢવી અને હાર્દિક રાજ્યગુરુ તેમના મધુર કંઠે સંતવાણી, લોકસાહિત્યવને ભક્તિના સૂર રેલાવ્યા હતા.
આ પવિત્ર અને ભક્તિપૂર્ણ પ્રસંગોમાં ધોળકા અને આસપાસની ભાવિક જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દ્રશીલ તીર્થ સંકુલમાં નાગર શૈલીમાં નિર્મિત મુખ્ય મંદિરમાં દુર્લભ સ્ફટિક શિવલિંગ, ગણેશ ભગવાન, રાધા પુરુષોતમ ભગવાન, અંબે માં અને રામ સીતા હનુમાનજીની મનમોહક પ્રતિમાઓ ઉપરાંત ભારતભરના શિવ, શક્તિ અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રસિદ્ધ 84 મંદિરોની પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાત ભારત દેશની સાત પવિત્ર નદીઓના પ્રતીકરૂપ કુંડ, આઠ દિશાધીપતિઓની એક જ શિલામાંથી કંડારાયેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.
સનાતન મંદિરની પશ્ચિમ બાજુએ શ્રી ઇન્દ્રવદ મોદીનું સ્મારક નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રી યંત્રના આકારમાં નયનરમ્ય ઉદ્યાન, શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનો પ્રદક્ષિણા પથ, આયુર્વેદિક અને ઔષધીય વનસ્પતિઓનો પરિક્રમા પથ, ભગવાન વિષ્ણુના દસ અવતારોની કલાત્મક પ્રતિમાઓ, શ્રીરામ અને શ્રી કૃષ્ણના જીવન લીલાને વર્ણવતા પ્રસંગોની પ્રતિમાઓ સહિત સનાતન ધર્મના અનેક પ્રતીકો અનેક આકર્ષણોની રચના કરવામાં આવી છે.
આ સનાતન ધર્મ મંદિર સંકુલ ભાવિકજનો માટે સવારે 6.00 વાગ્યાથી 12.00 વાગ્યા સુધી અને સાંજે 4.00 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.
આ તીર્થસ્થાન ધોળકા અને ગુજરાતની ધર્મપ્રેમી જનતા માટે એક આસ્થાના પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે.