વડોદરા: દેશની અગ્રણી કારનિર્માણ કંપની JSW MG મોટર ઇન્ડિયાએ વડોદરા પોલીસની સાહસિક મહિલા પોલીસની સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. મહિલા પોલીસની નિઃસ્વાર્થ દેશસેવાને બિરદાવવા માટે કંપનીએ 11 MG કારનો ઉપયોગ કરીને મહિલા પોલીસ અધિકારીઓના સહયોગમાં એક એમજી કાર અભિયાનનું આયોજન કર્યું હતું. આ અભિયાન દરમિયાન EVના લાભ અને પર્યાવરણ પર તેના હકારાત્મક પ્રભાવ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 500થી વધારે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં વડોદરાના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર (આઇપીએસ) અને શ્રી યુવરાજસિંહ જાડેજા (આઇપીએસ), શ્રીમતી ઉષા રાડા (આઇપીએસ), શ્રીમતી પન્ના મોમાયા (આઇપીએસ), શ્રી અભિષેક ગુપ્તા (આઇપીએસ), શ્રીમતી જ્યોતિ પટેલ (જીપીએસ) અને તેમની સાથે વડોદરાના તમામ ઝોનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને પોલીસ ઇન્સપેક્ટર તથા વિવિધ એનજીઓના મહિલા અગ્રણીઓ જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં નોમિનેટ થયેલી 50 મહિલાને મોટર ટ્રેનિંગ આપવા, તેમના કૌશલ્યો અને સ્વતંત્રતાને વધારવા માટે JSW MG મોટર ઇન્ડિયાએ વડોદરા પોલીસ સાથે સહભાગીદારી કરી હતી. આ સાથે જ કંપની પોલીસ કર્મચારીઓના પાત્ર મહિલા પરિવારજનો માટે નોકરીની તકો પણ શોધશે, જેથી કરીને તેમનું વધુ આર્થિક સશક્તિકરણ થઈ શકે. વધુમાં, મહિલા પોલીસ અધિકારીઓ કામ અને વ્યક્તિગત જીવનની વચ્ચે સંતુલન સાધી શકે તે માટે કંપની પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ માટેનો શાંત રૂમ (સાયલેન્ટ રૂમ) અને ઘોડિયાઘરની સુવિધાઓ ઊભી કરવામાં પણ મદદરૂપ થશે.
આ પ્રસંગે વાત કરતાં JSW MG મોટર ઇન્ડિયાના સીનિયર ડિરેક્ટર શ્રી યેશવિન્દર સિંહ પટિયાલે જણાવ્યું હતું કે, “JSW MG મોટર ઇન્ડિયાનું સંચાલન 42% મહિલા વર્કફોર્સ દ્વારા થાય છે, જે અમને દેશમાં સૌથી વૈવિધ્યપૂર્ણ ઑટોમેકર્સ બનાવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ મહિલા પોલીસની નિઃસ્વાર્થ સેવાને માન્યતા આપવા માટે વડોદરા પોલીસની સાથે સહભાગીદારી કરવાનો તથા પાણીગેટ પોલીસ સ્ટેશનને મહિલા વર્કફોર્સ માટે વધુ સમાવેશી બનાવવામાં યોગદાન આપવાનો અમને ગર્વ છે. અમે વિકાસ અને સફળતાની સમાન તકો પૂરી પાડનારી અમારી આ ઇકોસિસ્ટમને નિરંતર પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છીએ.”
શહેરને સુરક્ષિત રાખવામાં મહિલા અધિકારીઓના સાહસ અને સમર્પણ બદલ વડોદરાના પોલીસ વિભાગે તેમનો હૃદયપૂર્વકનો આભાર માન્યો હતો. આ પ્રકારની સહભાગીદારીઓ વધુ ન્યાયી અને સહાયક સમાજનું નિર્માણ કરવામાં કેવી રીતે યોગદાન આપી શકે છે, તેનું આ કાર્યક્રમે જ્વલંત ઉદાહરણ રજૂ કર્યું હતું.