અમદાવાદ : ગુજરાતમાં તારીખ ૮-૯ એપ્રિલ ૨૦૨૫ના દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલ અમદાવાદ પહોંચ્યા હતાં. તેમના દ્વારા ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં યોજાનારા ૬૪માં અધિવેનશને લઈને નેતાઓને વિવિધ જવાબદારી સોંપવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
આ વિષય પર વાત કરતાં કે.સી વેણુગોપાલે કહ્યું હતું કે, હું રાષ્ટ્રીય અધિવેશનના સ્થળની પસંદગી માટે ગુજરાત આવ્યો છું. અમે ગુજરાતના ગાંધીજી-સરદારના વારસાને લઈને આગળ વધી રહ્યાં છીએ. હાલ, ગુજરાતમાં કોંગ્રેસ માટે અનેક પડકારો છે, જેનો અમે સ્વીકાર કરીએ છીએ. પડકારોને ઝીલીને કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે.
અધિવેશનમાં દેશભરના પ્રતિનિધિઓ એકત્રિત થશે. જેમાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે તેમજ પાર્ટીની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ ૩૦ વષર્થી ગુજરાતમાં છેલ્લાં ૩૦ વષર્થી હારનો સામનો કરી રહી છે. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે કોંગ્રેસ મિશન-૨૦૨૭ હેઠળ અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે.
૮ એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેકઠક સાથે અધિવેશન શરૂ થશે. ત્યારબાદ ૯ એપ્રિલના દિવસે પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય પ્રતિનિધિઓ હાજર રહેશે. આ અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે ૧૯૨૪માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની ૧૦૦મી વષર્ગાંઠની યાદમાં યોજાઈ હતી.