અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં લોકો જાણે શેકાઈ રહ્યા હતા પરંતુ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભારે તડકો, ગરમી અને બફાર બાદ આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટબર્ન ના કારણે વાતાવરણ માં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થશે જેથી ઠંડા પવન ફૂંકાશે. ઉત્તર ભારતમાં હિમવષર્ના કારણને તાપમાન ઘટશે.
ચાલુ અઠવાડિયા માટે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની સ્પીડ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે. એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી જ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. એટલે કે પવનની દિશા અને ગતિ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે. ખેડૂતોએ 15મી માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. તેનાથી મોડું વાવેતર કરવું જોઈએ નહીં. મહત્તમ તાપમાન થોડું ઊંચુ ગયું હતુ. પરંતુ ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું અનુભવાયું નથી. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા નહીં મળે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યું છે. આ સપ્તાહમાં ભયંકર ગરમી પડે તેવા કોઈ એંધાણ નથી.