ગાંધીનગર : આજે એટલે કે ૩ માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની ૨૦૨૫ માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સઃ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણાઃ લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ દિવસની ઉજવણી નિમિત્તે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે ગુજરાતમાં જૂનાગઢ ખાતે સાસણગીરની મુલાકાત લેશે.
હાલ ગુજરાતના ૯ જિલ્લાઓના ૫૩ તાલુકાઓમાં આશરે ૩૦,૦૦૦ ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે ૨૦.૨૪ હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. વધુમાં, સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૪માં ગીર ખાતે ૨૩૭ બીટ ગાર્ડ્સ (૧૬૨ પુરુષો, ૭૫ મહિલાઓ) ની ભરતી કરવામાં આવી હતી, જેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં, ગીરના સ્થાનિક લોકોના નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ‘ગીર સંવાદ સેતુ’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, અને અત્યારસુધીમાં આવા ૩૦૦ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શાકાહારી પશુઓના સંવર્ધન માટે ૯ બ્રીડીંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ્ ગીર વિસ્તારમાં આવેલી રેલ્વે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલ્વે સાથે એસ.ઓ.પી.ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૨માં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણીમાં લગભગ ૧૩.૫૩ લાખ લોકોએ ભાગ લીધો હતો અને તેના થકી એક વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો હતો. માનવ-વન્યજીવન સંઘર્ષના મુદ્દા પર ફોકસ કરવા માટે આ પહેલ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે પોતે વર્ષ ૨૦૦૭માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૭માં લેવામાં આવેલા મુખ્ય પગલાંઓ
• ૨૦૦૭માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી, ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી, જેનો હેતુ વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવાનો હતો.
• નરેન્દ્ર મોદીએ બૃહદ્ ગીરની સંકલ્પના આપી, જેમાં ગીર એટલે ફક્ત ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી જ નહીં, પરંતુ બરડાથી લઇને બોટાદ સુધીનો ૩૦ હજાર ચોરસ કિમીમાં ફેલાયેલો વિસ્તાર, જ્યાં એશિયાઇ સિંહોની વસ્તી જોવા મળે છે. શ્રી મોદીએ બૃહદ્ ગીરના વિકાસની સાથે ત્યાંના સ્થાનિક લોકોનો વિકાસ પણ સુનિશ્ચિત કર્યો છે.
• તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગીર વિસ્તાર માટે સૌપ્રથમ વખત વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી કરવામાં આવી. આજે, ગીરમાં લગભગ ૧૧૧ મહિલાકર્મીઓ સક્રિય રીતે કાર્યરત છે.