બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં, ખુણીયા પાટિયા નજીક રાજસ્થાન રોડવેઝની એક બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે અને ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર ૫૦ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે પાલનપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ગંભીર અકસ્માત બાબતે માહિતી મુજબ અનુસાર, રાજસ્થાન રોડવેઝની બસ અને બોલેરો ગાડી વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં ૧૦ લોકોને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ છે. જ્યારે, અકસ્માતમાં બોલેરો કારનાં કચ્ચરઘાણ વળી ગયા હતા તેથી જેસીબીની મદદથી મૃતકોને બહાર નીકાળવાની તેજવીજ હાથ ધરાઈ હતી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે કાયદેસરની કામગીરી શરૂ કરી દીધી હતી.