બનાસકાંઠા : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા તારીખઃ ૦૮/૦૫/ ૨૦૨૪ના રોજ મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, પ્લોટ નંબર-૫૧, જી.આઇ.ડી.સી., ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં સ્થળ પર ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ (લાયસન્સીંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન, ૨૦૧૧ની જોગવાઇઓનું ભંગ થતા જોવા મળેલ જે બદલ તંત્ર દ્વારા પેઢીને કલમ -૩૨ હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં તેની પુર્તતા ન કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ (લાઈસન્સ નંબર-૧૦૭૧૮૦૦૫૦૦૦૮૬૬) તારીખઃ ૦૪/૧૦/૨૦૨૪ના રોજ રદ્દ કરવામાં આવેલ હતું.
તારીખઃ ૨૫/૦૨/૨૦૨૫ના રોજ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધુ હોવા છતાં ઘી નું ઉત્પાદન કરતી માલૂમ પડેલ. આથી, પેઢીના તપાસ કરતા અને પેઢી ના જવાબદાર શ્રી સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની પૂછપરછ કરતા ઘી માં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળ ની શંકા જતા તંત્ર કાયદા હેઠળ ની કાર્યવાહી કરતા શ્રી સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની હાજરીમાં ઘી ની અલગ -અલગ બ્રાંડ અને વજનના કુલ ૧૧ (અગિયાર) નમુના લેવામાં આવેલ. ઉક્ત ઘી નો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો જે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે, જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૧૭.૫૦ લાખ અને વજન આશરે ૪૦૦૦ કિગ્રા થવા જાય છે. લીધેલ તમામ ૧૧ (અગિયાર) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ઉક્ત વેપારી પર ખાદ્યતેલમાં ભેળસેળ માટેના એડજ્યુડીકેશન કેસમાં રુ. ૧.૨૫ લાખનો દંડ અને મરચામાં કલરના ભેળસેળના ક્રિમીનલ કેસમાં રૂ. ૨૫,૦૦૦ નો દંડ અને કોર્ટ ઉઠતા સુધી ની સજા અગાઉ પણ થઇ ચૂકેલ છે.
• આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.