પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. આથી, એસઓજી ના અધિકારીઓ દ્વારા બાતમીનાં આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ જણાતી ખાનગી ટ્રાવેલ્સની બસને રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, બસમાંથી શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. માહિતી અનુસાર, એસઓજી દ્વારા બસમાંથી શંકાસ્પદ ઘીનાં 105 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા.
પાટણના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પંડયા અનુસાર, આ શંકાસ્પદ ઘીનો જથ્થો પાટણથી મુંબઈ મોકલવામાં આવી રહ્યો હતો, પરંતુ એસઓજી પોલીસની ટીમની સતર્કતાના કારણે તે પહેલાં જ પકડાઈ ગયો. પોલીસને શંકા છે કે આ ઘીમાં ભેળસેળ કરવામાં આવી છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ મામલે એસઓજી પોલીસ દ્વારા સાત વેપારીઓને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.
રાજધાની ટ્રાવેલ્સની બસમાંથી આ પહેલાં પણ ભેળસેળવાળા ઘીના ડબ્બા મળી આવ્યા હતા, જેના કારણે ટ્રાવેલ્સની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. વારંવાર આવી ઘટનાઓ બનવાથી ટ્રાવેલ્સની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ રહ્યું છે.
જો કે, આ ઘટના બાદ પાટણના સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે. તેઓ ભેળસેળવાળા ખોરાકના વેચાણ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જિલ્લાના આરોગ્ય વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી છે અને ઘીના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ભેળસેળવાળા ઘીના રેકેટમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.