છેલ્લા ત્રણ મહિનાથી ચાલેલા પ્રચારને અંતે કર્ણાટકમાં આજે ૨૨૪ બેઠકોમાંથી ૨૨૨ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયુ છે. સવારથી પોલિંગ બૂથો પર મતદાન માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. 224 વિધાનસભા બેઠકો વાળા રાજ્યમાં 2 બેઠકો પર મતદાન સ્થગિત કરી દેવાયુ છે.
કર્ણાટકમાં 4.98 કરોડથી વધારે મતદાતા છે. જે 2600થી વધારે ઉમેદવારો વચ્ચે પોતાના પ્રતિનિધિને ચૂંટશે. આ મતદાતાઓમાં 2.52 કરોડથી વધારે પુરુષ, લગભગ 2.44 કરોડ મહિલાઓ અને 4,552 ટ્રાન્સજેન્ડર સામેલ છે જ્યારે 200 મહિલા ઉમેદવાર પણ મેદાને છે. હાસનમાં પોલિંગ બૂથ 244 પર તકનીકી ખરાબીના કારણે EVM મશીન બદલવામાં આવ્યું. EVM ખરાબ થયા બાદ મતદાન કેન્દ્ર પર દેખાવો કરવામાં આવ્યો. આ બૂથ પર એચડી દેવેગોડાએ મતદાન કર્યું.
જયાનગરમાં જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ આદિ ચુનચુન ગિરી મઠના મહાસ્વામી સાથે મુલાકાત કરી. વોટિંગ પહેલા કુમારાસ્વામીએ પોતાની પત્ની સાથે રાજારાજેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. ભાજપ સાંસદ રાજીવ ચંદ્રશેખરે કોરામંગલામાં મતદાન કર્યું જયારે BJP અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકની જનતા પાસે વોટની અપીલ કરી હતી. ઉલ્લખેનીય છે કે ચૂંટણીનું પરિણામ ૧૫ મે ના રોજ આવશે.