ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડાની અંદર થયેલા વિરોધ બાદ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મમતા કુલકર્ણીને હવે મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવી છે.
થોડા દિવસ આગાઉ પ્રયાગરાજમાં અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસની દીક્ષા લીધી હતી. સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા, જેનો ભારે વિરોધ થયો અને કિન્નર અખાડામાં મોટો વિવાદ શરૂ થઈ ગયો.
હાલ તો હવે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. બંનેને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે આ કાર્યવાહી કરી છે. ઋષિ અજય દાસે કહ્યું કે અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે. મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં મમતા આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મુલાકાત કરી હતી. આ પછી, મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને તેમનો રાજ્યાભિષેક કિન્નર અખાડામાં થયો હતો. મહાકુંભમાં સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને એક નવું આધ્યાત્મિક નામ ‘શ્રી યમઈ મમતા નંદ ગિરિ’ આપવામાં આવ્યું. આ સાથે, તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
વર્ષો પહેલા બૉલીવુડ ની ફિલ્મોમાં કામ કરી ખૂબ ખ્યાતિ મેળવેલ અભિનેત્રી મમતા કુલકર્ણીની પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં મહામંડલેશ્વર બનાવવા પર ઘણો વિવાદ થયો હતો. મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર બનાવવા પર સંતો સતત વિરોધ કરી રહ્યા હતા. બાબા રામદેવે મમતા મહામંડલેશ્વર બનાવવાના ર્નિણય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો જે ગઈકાલ સુધી સાંસારિક સુખોમાં વ્યસ્ત હતા, તેઓ એક જ દિવસમાં સંત બની ગયા છે, કે તેમને મહામંડલેશ્વર જેવી પદવી મળી ગઈ છે. કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે પણ કહ્યું હતું કે મહિલાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવા એ સિદ્ધાંતોની વિરુદ્ધ છે.