સુરતના હજીરાપટ્ટીની ઓનએનજીસી કંપનીમા સ્થાનિકોને નોકરીમાં અન્યાય કરીને બહારના રાજયોના યુવાનોને નોકરી રાખતા ઉશ્કેરાયેલા ભાટપોર ગામના રહેવાસીઓએ ઓ.એન.જી.સી કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરને કારમાંથી બહાર ખેંચીને માર મારતા ટોળા વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હજીરા વિસ્તારમાં સમયાંતરે સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે આંદોલન ચલાવાઇ છે. તેમ છતા કંપનીઓ દ્વારા સ્થાનિકોને નોકરી આપવાના બદલે બહારના રાજયોના યુવકોને પહેલા નોકરી રાખે છે. આવા આક્ષેપ સાથે ભાટપોર ગામના રહીશોએ બહારના યુવકોને નોકરી પર લેવા નહીં અને સ્થાનિક ભાટપોર ગામના રહીશોને જ નોકરીએ રાખવા માટે ઓનએનજીસીમાં રજુઆત કરી હતી.
આ રજુઆત પછી ગામના યુવાનોને નોકરી નહીં મળતા ગામના તેજસ નામના યુવાને ઓનએનજીસીના ડેપ્યુટી જનરલ મેનેજર રાજીવ સુરેન્દ્ર તિવારીને ફોન પર જોઇ લેવાની ધમકી આપી હતી. ગ્રામજનોમાં સ્થાનિકોને નોકરી નહી મળતા આક્રોશ તો હતો. અને આ આક્રોશમાં ગઇકાલ સાંજે જયારે રાજીવ પોતાની કાર લઇને ગેટની બહાર નિકળતા હતા. તે વખતે ગામના લોકોએ તેમને ઘેેરી લીધા હતા. અને કારમાંથી બહાર ખેંચીને ઢોરમાર મારીને કારના કાચ પણ તોડી નાંખ્યા હતા. આ બનાવ અંગે રાજીવે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ભાટપોર ગામના ૪૭ જેટલા લોકો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.