અમદાવાદ: રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ, 3×3 હૂપર્સ લીગની બીજી સિઝન 25 અને 26 જાન્યુઆરીનાં રોજ યોજાશે. ટૂર્નામેન્ટનાં આયોજક અદાણી સ્પોર્ટ્સ લાઈન દ્વારા જાહેરાત કરવામાં આવી કે, ટૂર્નામેન્ટમાં અંડર-12, અંડર-15, અંડર-19, અંડર-23, મહિલા-પુરુષ અને મિક્સ કેટેગરી રાખવામાં આવી છે.
દરેક ટીમમાં 4 ખેલાડીઓ રહેશે અને ઓછામાં ઓછી 3 લીગ મેચોમાં રમશે. દરેક મેચ 10 મિનિટ ચાલશે અથવા તો કોઈ એક ટીમ 21 પોઈન્ટ હાંસલના કરે ત્યાં સુધી ચાલતી રહેશે. લીગ મેચો બાદ નૉકઆઉટ રાઉન્ડનો પ્રારંભ થશે.
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સંજય અદેસરાએ કહ્યું કે,”3×3ની હૂપર્સ લીગની બીજી સિઝનની યજમાની કરવી એ અમારી બાસ્કેટબોલમાં યુવા ટેલેન્ટને આગળ વધારવાના અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આ વાત માત્ર અમદાવાદ પૂરતી જ નથી અને સંપૂર્ણ દેશ માટે છે. અમે ટૂર્નામેન્ટ માટે ઘણાં ઉત્સાહિત છીએ. પ્રથમ સિઝન ઘણી સફળ રહી હતી. હવે અમે ટૂર્નામેન્ટની બીજી સફળ સિઝનની રાહ જોઈ રહ્યાં છીએ.”
લીગની પ્રથમ સિઝન અમદાવાદમાં ડિસેમ્બર 2023માં યોજાઈ હતી, જેમાં 100થી વધુ ટીમો, 400થી વધુ સ્પર્ધકો અને 600થી વધુ દર્શકો લીગનો ભાગ બન્યા હતા.