નવી દિલ્હી : યુકેની સાંસ્કૃતિક સંબંધો અને શૈક્ષણિક તકો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા, બ્રિટિશ કાઉન્સિલે યુકે સરકારના ગ્રેટ બ્રિટન અભિયાન સાથે ભાગીદારીમાં, ગ્રેટ સ્કોલરશીપ્સ 2025ની જાહેરાત કરી છે. ગ્રેટ સ્કોલરશીપ ભારતના વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસના વિવિધ ક્ષેત્રોમાં પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ હાથ ધરવાની તક આપે છે.
સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોમાં યુકેની યુનિવર્સિટીઓ તરફથી ભારતમાં 26 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે, જેમાં દરેક શિષ્યવૃત્તિ, એક વર્ષના અનુસ્નાતક અભ્યાસક્રમની ટ્યુશન ફી માટે ન્યુનતમ £10,000 જેટલી હશે. 2025 ના પ્રવેશ ચક્ર માટે, શિષ્યવૃત્તિ ત્રણ પ્રાથમિક શ્રેણીઓમાં ઉપલબ્ધ છે. એકવીસ શિષ્યવૃત્તિ મુખ્ય વિષયોમાં વિવિધ શૈક્ષણિક વિદ્યાશાખાઓ પસંદ કરતાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે. કાનૂની અને ન્યાય લક્ષી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ન્યાય અને કાયદામાં અનુસ્નાતક અભ્યાસ હાથ ધરનારાઓ માટે બે શિષ્યવૃત્તિ રાખવામાં આવી છે. વધુમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે ત્રણ શિષ્યવૃત્તિઓ ઉપલબ્ધ છે, ખાસ કરીને STEM શાખાઓમાં.
યુકે તેના ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ માટે જાણીતું છે, જેમાંથી ઘણી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સૂચિમાં સતત ટોચ પર સ્થાન ધરાવે છે. યુકેમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને વિશ્વ-વિખ્યાત યુનિવર્સિટીઓમાં પ્રવેશ મળે છે. યુકેમાં અભ્યાસ પછી નૌકરીના વિવિધ વિકલ્પો રોજગાર ક્ષમતામાં વધુ વધારો કરે છે, જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂલ્યવાન અનુભવ મેળવવાની અને તેમની કારકિર્દીની સંભાવનાઓને વધારવાની તક આપે છે.
બ્રિટિશ કાઉન્સિલના એજ્યુકેશન ઈન્ડિયાના નિર્દેશક, રિતિકા ચંદા પર્રક એમબીઈએ જણાવ્યું હતું કે “ધ ગ્રેટ સ્કોલરશિપ્સ ભારતીય વિદ્યાર્થીઓને યુકેમાં અનુસ્નાતક અભ્યાસ કરવા માટે એક અમૂલ્ય તક પૂરી પાડે છે, જે ફાયનાન્સ, માર્કેટિંગ, બિઝનેસ, સાયકોલોજી, ડિઝાઇન, માનવ-વિદ્યા અને નૃત્ય જેવી વિદ્યાશાખાઓમાં આગળ વધવા માટે દરવાજા ખોલે છે. યુકેમાં અભ્યાસ કરવાથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક સહીત વિદ્યાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક અનુભવો અને વૈશ્વિક જોડાણની પણ તક મળે છે, જેનાથી તેઓને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવા અને નૌકરીના સ્પર્ધાત્મક વૈશ્વિક બજારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં પણ મદદ મળે છે. આ પહેલ વૈશ્વિક શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓને તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ બનવા માટે સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
યુકે સરકારના ગ્રેટ બ્રિટન અભિયાન, બ્રિટિશ કાઉન્સિલ અને યુકેની ભાગ લેનારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે પ્રાયોજિત, આ શિષ્યવૃત્તિઓ શૈક્ષણિક શ્રેષ્ઠતાને વિસ્તારવા અને વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક તકો ઊભી કરવાની યુકેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.