શહેરના વટવા ખાતે આવેલાં અહિલ્યાબાઈ હોલકર મ્યુનિ. પાર્ટી પ્લોટ ખાતે રવિવારે કુશવાહા મૌર્ય ક્ષત્રિય સમાજ ટ્રસ્ટનો ચોથો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં અમદાવાદ ઉપરાંત ચાંગોદર, લોથલ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સૂરત, વાપી, ગાંધીધામથી આશરે 2500 જેટલાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના ઝોન 1ના અધ્યક્ષ વિનોદ મૌર્ય તથા ઝોન 2ના અધ્યક્ષ ચંદ્રગુપ્ત મૌર્યના જણાવ્યાં મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વટવાના ધારાસભ્ય બાબૂસિંહ જાદવ તથા બાપૂનગરના ધારાસભ્ય દિનેશ સિંહ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આમંત્રિત મેહમાન તરીકે પરપ્રાંતીય સંગઠન ગુજરાતના યુવા અધ્યક્ષ તેજેન્દ્ર સિંહ ચૌહાને ઉપસ્થિત રહીને સમાજને પોતાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા મેહમાનોનું મોમેંટો, શાલ તથા ફૂલહારથી સમ્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મૌર્ય બિઝનેસ નેટવર્ક અને તેના કાર્યો અંગે સમાજને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વર્ષ 2021-22થી 2023-24ના અધ્યક્ષ, મહામંત્રી અને ખજાનચીનો વિદાય સમારોહ યોજાયો હતો. જ્યારે નવા અધ્યક્ષ, મહામંત્રી અને ખજાનચીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બીજી બાજુ કાર્યક્રમમાં ગુજરાત મૌર્ય સમાજ, કુશવાહા સમાજ સેવા સમિતિના પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને કુશવાહા મૌર્ય ક્ષત્રિય સમાજ ટ્રસ્ટને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન મહિલા વિકાસ સમિતિના અધ્યક્ષ અનિતાબહેન કુશવાહાએ મહિલાઓને સંસ્થા સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત વટવા પોલીસ સ્ટેશન દ્વારા ડિજીટલ અરેસ્ટ તથા સાયબર ક્રાઇમ અંગે લોકોએ કઇ રીતે જાગરૂક થવા તે અંગે માહિતી આપી હતી. જ્યારે ગાંધીનગર ખાતે આવેલી આઈસીએફએઆઈ યુનિ. દ્વારા યુવાનોને કેરિયર સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરની અમુક સંસ્થાઓના પદાધિકારીઓને મોમેટો આપી તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજ કુશવાહા, સીમા કુશવાહા દ્વારા કરવામાં આવ્યું હતું.