કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા વિભાગે માર્ચ અને એપ્રિલ 2024ના જારી કરેલા આંકડા મુજબ લગભગ 50 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નો-શો જાહેર કરવામાં આવ્યા, તેમા 20 હજાર ભારતીય હતા. આ સંખ્યા કેનેડામાં અભ્યાસ માટે ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના 5.4 ટકા છે. અહીં નો શોનો અર્થ થાય છે કેનેડાની કોલેજો અને યુનિ.માં ભણવા ગયેલા, પરંતુ ત્યાં કોઈ કારણવશ હાજરી ન દર્શાવનારા વિદ્યાર્થીઓ થાય છે. આમ કુલ 49,676 વિદ્યાર્થીઓ ગુમ રહ્યા હતા તો કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓ અન્ય 23,514 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અંગે રિપોર્ટ કરવામાં જ નિષ્ફળ ગઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ વિદ્યાર્થી પોતાની સ્ટડી પરમિટ મુજબ અભ્યાસ શરૂ કરવા માટે નિયત સંસ્થાઓમાં પહોંચ્યા નથી. બધુ મળીને સ્ટડી પરમિટધારકોમાં 6.9 ટકા વિદ્યાર્થી એવા હતા, જેમણે પોતે જે કોલેજમાં એડમિશન લીધું હતું ત્યાં પહોંચ્યા જ ન હતા. આ આંકડા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કોમ્પ્લાયન્સ રિપોર્ટ હેઠળ એકત્રિત કરવામાં આવ્યા, જેમા શૈક્ષણિક સંસ્થાઓએ દર બે વર્ષે તેમને ત્યાં થયેલી અરજીઓની વિગતો આપવાની હોય છે. અહેવાલ પરથી ખબર પડે છે કે કુલ 144 દેશના વિદ્યાર્થી પર નજર રાખવામાં આવી હતી.
આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ નો-શો થવા તે ફક્ત કેનેડાની શિક્ષણ પ્રણાલિ જ નહીં, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની છાપ માટે પણ ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું માનવું છે કે તેના ઘણા કારણ હોઈ શકે છે. તેમા ખોટી જાણકારીના આધારે પ્રવેશ લેવો, આર્થિક પડકારો અથવા અન્ય કારણોથી અભ્યાસ જારી ન રાખવાનો સમાવેશ થાય છે. કેનેડિયન અધિકારીઓએ આ મામલે કાર્યવાહી કરતાં શિક્ષણ સંસ્થાઓમાં નિયમિત રીતે રિપોર્ટિંગ વધારવા અને સ્ટડી પરમિટધારકોની તપાસને વધુ આકરી કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. આ અંગે ઇન્ટિગ્રેટિવ ટ્રેડ એન્ડ ઇકોનોમિક્સના સ્થાપક અને ભૂતપૂર્વ ફેડરલ ઇકોનોમિસ્ટ હેનરી લોટિને જણાવ્યું હતું કે આ પ્રકારે સિસ્ટમનો દૂરુપયોગ રોકવો હોય તો આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ પાસેથી અપફ્રન્ટ ફી લેવી જોઈએ.
ભારતના કાનૂની સત્તાવાળાઓ પણ હાલમાં વિવિધ કેનેડિયન કોલેજો અને ભારતના બે એકમ સામે તપાસ કરી રહ્યા છે કે અમેરિકાની સરહદ વટાવવા માટે કેનેડાના સ્ટુડન્ટ વિઝાનો આ રીતે દૂરુપયોગ તો કરવામાં આવતો નથીને. ક્લાસમાં હાજરી આપવાના બદલે આ વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે સરહદ વટાવીને અમેરિકા તો જતાં રહેતા નથીને. આરસીએમપીએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ પોલિસિંગ લાયેઝનિંગ ઓફિસરો દ્વારા ભારત સુધી પહોંચવું જોઈએ અને હાલમાં ચાલતી તપાસ અંગે વધુ માહિતી મેળવવી જોઈએ. લોટિને જણાવ્યું હતું કે નો-શો દર્શાવનારા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં જ કામ કરે છે અને તેઓ ત્યાં જ સ્થાયી થવા માંગે છે. ગણ્યાગાંઠયા લોકો ગેરકાયદેસર રીતે સરહદ વટાવી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડામા કામ કરીને ત્યાં સ્થાયી થવા માંગે છે. કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે સિસ્ટમનો દૂરુપયોગ રોકવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિયમ વધુ ચુસ્ત કર્યા છે. તેના પગલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના કોમ્પ્લાયન્સ રિપોર્ટ ન આપનારી કોલેજો અને યુનિવર્સિટીઓને સસ્પેન્ડ કરવામાં આવશે અથવા તો તે પછીના શૈક્ષણિક વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ નહીં લઈ શકે. નો-શો શબ્દનો કેનેડામાં ઉપયોગ થાય છે. કેનેડામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થી ત્યાં એડમિશન લે અને કોલેજમાં ભણવા આવવાની બધી પ્રક્રિયા પૂરી કરે અને પછી તે આવે જ નહીં તોઆ વિદ્યાર્થીઓને નો-શો સ્ટુડન્ટ કહેવાય છે. મુખ્યત્વે આ વિદેશી વિદ્યાર્થીઓને લાગુ પડે છે. આ વિદ્યાર્થીઓ પોતાની સ્ટડી પરમિટ મુજબ અભ્યાસ શરૂ કરવા માટે નિયત સંસ્થાઓમાં પહોંચ્યા હોતા નથી.