ભડિયાદ ખાતે ઉર્ષની ઉજવણીમાં ભાગ લેવા માટે પગપાળા જઈ રહેલા યાત્રિકોને મોટો અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોની પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, ભડિયાદમાં હાલ ઉર્ષની ઉજવણી થઈ રહી છે. તેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પગપાળા પહોંચી રહ્યાં છે. ત્યાર બાલાસિનોર અને સેવાલિયા તેમજ વસો વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ચાલીને ભડિયાદના ઉર્ષને લઈને પગપાળા જઈ રહ્યાં હતા. શ્રદ્ધાળુઓનો સામાન અન્ય ટ્રકમાં આવી રહ્યો હતો. જોકે આ ટ્રકને ભયંકર અકસ્માત નડ્યો હતો. માલ સામાન લઈને જતો ટ્રક ફેદરા ગામ પાસે પાર્ક કરવા જતા ઇલેક્ટ્રીક વાયરને અડી ગયો હતો. જેના કારણે ટ્રકમાં બેઠેલા 4 લોકોને કરંટ લાગ્યો હતો. જેથી તમામને ધંધુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે બે વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી એકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
દુર્ઘટનામાં મૃતકોની ઓળખ હસનેન મુસ્તાકમિયા ખલીફા (ઉં.વ. 21) અને સુલતાન બીબી જહીરમિયા પઠાણ (ઉં.વ. 23) હોવાનું સામે આવ્યું છે.