૨૦૧૬માં કારનું ટાયર ફાટી અમેરિકાના ટેકસાસમાં થયેલા કાર અકસ્માતમાં કારમાંથી કૂદીને માંડ માંડ બચેલી આર્મીની કર્મચારી ટામિકા બુરેજનો ડાબો કાન કપાઇ ગયો હતો. બે વર્ષ અગાઉ ડાબો કાન ગુમાવી ચૂકેલી આ યુવતીને અલ પાસોમાં પ્લાસ્ટિક સર્જરી વડે નવો કાન મળ્યો હતો.
ડોકટરોએ તેના જમણા હાથની ચામડી નીચે નવો કાન ઉગાડયો હતો. પ્લાસ્ટિક સર્જનોએ યુવતીના પોતાના જ કાર્ટિલેજનો ઉપયોગ કરી કાન ઉગાડયો હતો અને તેને માથા ડાબા કાનની જગ્યાએ બેસાડી આપ્યો હતો. યુવતી સાંભળતી થઈ હતી અને ડોકટરોએ ઓપરેશનને સફળ ગણાવ્યું હતું. અકસ્માત પછી ગુમાવેલ કાનની સારવાર માટે પ્લાસ્ટિક સર્જરી એક માત્ર વિકલ્પ હતો.
શરૂઆતમાં તે ગભરાઇ ગઇ હતી પરંતુ વાસ્તવિક કાન મળશે તેવી આશામાં તેણે જટિલ ઓપરેશન સ્વીકાર્યું હતું. સેનાના ડોકટરોએ કરેલું આ પ્રકારનું આ પ્રથમ ઓપરેશન હતું. ડોકટરોએ જણાવ્યા મુજબ યુવતીની પાંસળીમાંથી કાર્ટિલેજ કાઢીને જમણા હાથની ચામડી નીચે વિકસાવ્યો હતો. અમેરિકામાં આ પ્રકારનું ઓપરેશન અત્યંત જટિલ ગણાય છે, જેમાં ચામડી નીચે નવી રક્તવાહીનીઓ બને છે અને નવું અંગ વિકસે છે. આર્મીના મેડિકલ સેન્ટરના વડાએ જણાવ્યું હતું કે મહિલા સૈનિકને સારામાં સારી સારવાર આપવી યોગ્ય છે.