ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સિઆચેનમાં સેનાના બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે જવાનોને શુભેચ્છા પાઠવી હતી. સિઆચેન વિશ્વનું સૌથી ઉંચુ સમરાંગણ ગણાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અહીંની વિષમ પરિસ્થિતિમાં છેલ્લા ૩૪ વર્ષથી નીમાતા રહેલા જવાનોની બહાદુરી અને શૌર્ય દરેક ભારતીય નાગરિકને એ બાબતે ખાતરી કરાવે છે કે, ભારતના સીમાડા સદૈવ સુરક્ષિત છે.’
રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, હું અહીં એ બાબતે ભારતના તમામ નાગરિકો વતી એ ખાતરી આપવા આવ્યો છું કે, ભારતની સરકાર અને પ્રત્યેક નાગરિકનો સાથ હંમેશા તેઓ અને તેના પરિવારની સાથે છે. રાષ્ટ્રપતિ દેશના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ વડા ગણાય છે. તેમણે એ બાબત સ્વીકારી કે અહીં આ ઉંચાઈએ સામાન્ય જીવન શક્ય જ નથી તેવી વિષમ સ્થિતિમાં સતત જાગૃત અને હુમલા માટે તૈયાર રહેવું તે સર્વોચ્ચ પ્રશંસાને પાત્ર છે અને તમારી રાષ્ટ્રસેવા માટે તત્પરતા દરેક નાગરિક માટે પ્રેરક છે.
રાષ્ટ્રપતિએ કુમાર પોસ્ટની પણ મુલાકાત લીધી હતી. કોવિંદ દેશના બીજા એવા રાષ્ટ્રપતિ છે જેમણે સિઆચેનની મુલાકાત લીધી હોય. પૂર્વે રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે સિઆચેનની મુલાકાત લીધી હતી. જ્યારે ગત ૧૪ વર્ષમાં આ વિસ્તારની મુલાકાત લેનારા રાષ્ટ્રપતિ કોવિંદ પ્રથમ વડા છે તેમણે સિઆચેનમાં ફરજ બજાવતા તમામ જવાનોને તેઓ દિલ્હી આવે ત્યારે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત અવશ્ય લે તેવો આગ્રહ પણ કર્યો હતો.