મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાં રાજરત્ન ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ઘી બનાવતી ફેક્ટરીમાં એલસીબી અને ફૂડ વિભાગના દરોડામાં પડ્યા હતા, જેમાં શંકાસ્પદ ઘી અને અન્ય ઉત્પાદનનો કુલ 1.24 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં હવે કોર્ટ કાર્યવાહી બાદ આગળ પગલા લેવામાં આવશે. કડીના બુડાસણ ગામે બે મહિના પહેલાં મહેસાણા ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમોએ શંકાસ્પદ ઘી સહિતનો 43 હજાર કિલોનો કુલ રૂપિયા 1.24 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. જે તમામ ઘીનાં નમૂનામાં ફોરેન વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું. જેની લેબમાં તપાસ કરાતા નમૂના ફેઈલ થયા હતા. આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેમજ કોર્ટના હુકમ ન થાય ત્યાં સુધી જથ્થો જપ્ત રહેશે.
અમદાવાદ શહેરમાં ચાંદલોડિયામાં રહેતા જનકભાઈ ભાવસારની બુડાસણમાં ચાલતી ફેક્ટરીમાં બાતમીના આધારે એલસીબી અને ખાદ્ય વિભાગની અધિકારીઓએ 12 ઓક્ટોબરના રોજ દરોડા પાડ્યા હતા. જેમાં હરિઓમ પ્રોડક્ટ્સની દુકાન નંબર. 25થી 32 અને દુકાન નંબર છ૮-૪માંથી શંકાસ્પદ ઘીનો જથ્થો અને રિફાઈન્ડ પામ્સ ઓઈલ, પામ ઓઈલ અને ફોરેન ફેટનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડામાં ફોરેન્સિક લેબની ટીમે 6 જેટલા અલગ અલગ નમૂના ટેસ્ટિંગ માટે લીધા હતા. લેબમાં નમૂના ફેલ આવતા રૂપિયા 12497440ની કિંમતનો 43109 કિલો શંકાસ્પદ માલ જપ્ત કરી ફેક્ટરીનું સંચાલન કરતા ડાંગી રામુ ડાકપરામ વિરૂદ્ધ કડી પોલીસે ફરિયાદ નોંધી છે.