વર્તમાન સમયમાં મહિલાઓ માટે પોતાની સુરક્ષા એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે. આ પરિસ્થિતિમાં બની રહેલા અનિચ્છનીય બનાવોને પગલે બહેનો-દિકરીઓ પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે તે ખૂબ જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં લઈ શાયોના વિધાવિહાર ઘાટલોડિયા ખાતે – ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સ્વ-રક્ષણ અને સલામતી જાગૃતિના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં અલગ-અલગ ટેક્નિકસને પ્રેક્ટિકલી બતાવીને તાલીમ આપવામાં આવી હતી. અસામાજિક તત્ત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું તેમજ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી, અને પોતાનું રક્ષણ કરવું એ વિશે શાળાની વિધાર્થીનીઓને તાલીમ આપવામાં આવી હતી.
સેલ્ફ ડિફેન્સ એકક્ષપર્ટ કોચ – અમનદીપ સિંગ ગોત્રા દ્વારા વિધાર્થીનીઓને જાગૃત કરવામાં આવ્યા હતાં. લગભગ 200 જેટલી વિધાર્થીનીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના વર્કશોપમાં શાળાના ટ્રસ્ટી શ્રીમતી ઉર્વશીબેન પટેલ , ડાયરેક્ટર શ્રીમતી ભાવનાબેન ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દરમ્યાન ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી બિરવા મહેતાએ વિધાર્થીનીઓને જણાવ્યું હતું કે “ તમારા સાહસ, હિમ્મત અને ચપળતા તમને સુરક્ષિત કરી શકે છે. સુરક્ષા માટે કોઈનાં પર નિર્ભર રહેવાની જરૂર નથી. આત્મ સુરક્ષા એ જ સાચી સુરક્ષા છે.”
સેલ્ફ-ડિફેન્સ વિશે વધુ માહિતી આપી મહિલાઓમાં જાગૃતિ લાવવા ડ્રીમ ફાઉન્ડેશન શાળા – કોલેજો, તેમજ કોર્પોરેટ ક્ષેત્રોમાં આ કાર્ય પૂર જોશથી કરવા તત્પર છે.