અમદાવાદ : ભૂવાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICUમાં જઈને દર્દીને સાજો કર્યાનો વિશ્વાસ, પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષીનો ખુલાસો. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICUમાં તાજેતરમાં બનેલી ઘટનાએ આખા શહેરને ચોંકાવી દીધું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો એક વિડિયોમાં એક ભૂવો દર્દીના માથા ઉપર કંઈક ફેરવી રહ્યો છે અને લોકોને અંધશ્રદ્ધાના નામે ગોળી પીવડાવી રહ્યો છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે વેન્ટિલેટર પર રહેલો આ દર્દી ભૂવાની તાંત્રિક વિધિથી સાજો થઈ ગયો છે.
સિવિલ હોસ્પિટલની ઘટનાએ લોકોમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. શું આ માત્ર એક અંધશ્રદ્ધા છે? કે પછી સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં ક્યાંક ઘોર બેદરકારી બતાવે છે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ભૂવો ICU સુધી કેવી રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ છે. ભૂવો અગાઉ પણ અનેકવાર હોસ્પિટલમાં ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. દર્દીના પરિવારજનો દાવો કરે છે કે તેમનો સંબંધી ડોક્ટરની સારવારથી નહીં પરંતુ ભૂવાની વિધિથી સાજો થયો છે. જ્યારે કેટલાક લોકો આને માત્ર એક પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. પરંતુ સિવિલ હોસ્પિટલ જેવી જાણીતી સંસ્થામાં આવી ઘટના બનવી એ ચિંતાજનક છે. આ ઘટનાએ એકવાર ફરીથી સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ પર પ્રકાશ પાડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ભૂવાની વિધિનો વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષીએ આ મામલે મહત્વની સ્પષ્ટતા કરી છે.
જોષીએ જણાવ્યું કે, “વાયરલ વીડિયોમાં દેખાતો ભૂવો દર્દીના સ્વજનના પાસનો ઉપયોગ કરીને ICUમાં પ્રવેશ્યો હતો. દર્દીના સગાને હોસ્પિટલ તરફથી જવા માટે પાસ આપવામાં આવ્યો હતો, જેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “ભૂવાજી દ્વારા દર્દી સ્વસ્થ થયાના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. દર્દી હોસ્પિટલના તબીબોની સારવારથી સ્વસ્થ થયા છે. હોસ્પિટલના ICUમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ ઘટના બની છે.” સુપ્રિટેન્ડન્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને આવી ઘટનાઓ ન બને તે માટે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની વાત પણ કરી છે. આ મામલે હવે સિવિલ હોસ્પિટલ તંત્રે તપાસ શરૂ કરી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.