મુંબઈ : વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ જમૈકામાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્સે 46 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. સીલ્સે છેલ્લા 46 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ઇકોનોમિકલ સ્પેલ ફેંક્યો હતો. સીલ્સની શાનદાર બોલિંગ સામે બાંગ્લાદેશી બેટ્સમેનો 200 રનનો આંકડો પણ પાર કરી શક્યા ન હતા.
મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના જેડન સીલ્સે 15.5 ઓવરમાં માત્ર 05 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેડન ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. દરમિયાન તેણે 0.31ના ઇકોનોમીથી રન આપ્યા હતા. 15.5 ઓવરનો સ્પેલ ફેંકનાર જેડને 10 ઓવર મેડન્સ ફેંકી હતી. 1978 પછી ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી ઇકોનોમિક સ્પેલ રહ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 2015માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટમાં 21 ઓવરમાં માત્ર 09 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઉમેશે તેના સ્પેલમાં 0.42ની ઇકોનોમી પર રન આપ્યા હતા. હવે સીલ્સે ઉમેશનો રેકોર્ડ તોડ્યો છે.
મેચના પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન શાદમાન ઇસ્લામે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને ૫ ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ માટે સીલ્સે 4 અને શમર જોસેફે 3 વિકેટ લીધી હતી. આ સિવાય કેમાર રોચે 2 અને અલ્ઝારી જોસેફે 1 વિકેટ લીધી હતી. જેડન સીલ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં 16 ટેસ્ટ અને 15 વનડે રમી છે. તેણે ટેસ્ટમાં 67 વિકેટ લીધી છે. આ સિવાય તેણે વનડેમાં અત્યાર સુધી 8 વિકેટ પોતાના નામે કરી છે.