ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સીમ વિસ્તારમાં પસાર થઈ રહેલી એક મજૂર પરિવારની એકવીસ વર્ષની યુવતીના ગળા પર છરીથી હુમલો કરી ગળુ કાપી હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે. અને આ હત્યાના બનાવથી બે ખેતર દૂર એમના જ ગામે રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી લઈ આત્મહત્યા કરી લેતાં મોડી રાતે નવો વળાંક આવ્યો છે.
પોલીસ સુત્રોના કથન મુજબ યુવતી અને યુવક મામા ફોઈના થાય છે. બનાવની મળેલી પ્રાથમિક વિગત મુજબ યુવતીના આધાર કાર્ડ પરથી નકકી કરાયું છે કે આ યુવતીનું નામ હરમિત જીવનલાલ ડાભી છે. આ યુવતીની ઉમર એકવીસ વર્ષની છે અને આધારકાર્ડમાં એનું સરનામુ સુપેડી પાસે રાયધરાના પુલ પાસેના વિસ્તાર લખેલું છે. હાલ એ તોરણીયા ગામે રહેવા આવી ગયા છે અને મજુરી કામ કરે છે. આજે એમ કહેવાય છે કે આ યુવતી તોરણિયા ગામે સીમ બાજુ પસાર થઈ રહી હતી એ વખતે એક યુવાને છરીથી હુમલો કર્યો હતો. અને ગળા પર છરીના ઘા મારી ગળું કાપી નાંખ્યું હતું. એવી પણ વિગત કહેવાય છેકે યુવતીની સગાઈની વાતચીત ચાલતી હતી.
આ બનાવ બનતા યુવતી લટકતા ગળા સાથે લોહીના ખાબોચિયામાં લથબથ પડી હતી. બનાવના પગલે લોકો એકઠા થઈ ગયા હતા. કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તે આવી હતી અને યુવતીને ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જયાં તબીબોએ તપાસી મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલે દોડીગઈ હતી અને યુવતીની તપાસ કરતા આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના પરથી નામની ઓળખ થઈ હતી. આ હત્યા અને બનાવનું કારણ અકબંધ છે. પરંતુ જોગાનુંજોગ આ જ ગામના જિજ્ઞોશ ટીડાભાઈ દેગામા નામના યુવાને યુવતીની હત્યાના સ્થળથી બે ખેતર દૂર જઈને ઝેરી દવા ગટગટાવી લઈ આત્મહત્યા કરી લેતાં મોત નીપજ્યું છે. આ યુવાન અને યુવતી મામા ફોઈના થાય છે અને બન્ને તોરણિયા ગામે જ રહે છે. પોલીસ હાલ તો યુવતીના હત્યાના બનાવમાં આપઘાત કરી લેનારા યુવાન સાથે કોઈ અનુસંધાન છે કે નહી અને યુવાનનો હાથ હત્યામાં હોઈ શકે કે કેમ એ બાબતે પણ તપાસ હાથ ધરી છે. પોલીસે એમના પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ ચાલુ કરી છે.