વડોદરા : રાજકોટની પીડિતા સાથે મેટ્રિમોનિયલ સાઇટથી સંપર્કમાં આવેલા નાગપુરના નિવૃત્ત એન્જિનિયરે વડોદરાની હોટલમાં મુલાકાત માટે બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પીડિતાએ કરી છે.
પોલીસ વિભાગમાં ચર્ચામાં રહેલા આ કિસ્સાની વિગત એવી છે કે, નાગપુરમાં રહેતા નિવૃત્ત ઇલેકટ્રિકલ એન્જિનિયરને પુનર્લગ્ન કરવા હોવાથી મેટ્રિમોનિયલ સાઇટ પર સર્ચ કરતા હતા. આ દરમિયાન રાજકોટમાં રહેતી 50 વર્ષીય અપરિણીત મહિલાનો સંપર્ક થતાં બંને વચ્ચે વાતચીત થઇ હતી. લગ્ન માટે ઉત્સુક બંને પાત્ર વચ્ચે રૂબરુ મુલાકાત કરવાનું નક્કી થયું હતું અને તે માટે ગઇ તા.29મી સપ્ટેમ્બરે તેઓ વડોદરાના સયાજીગંજ વિસ્તારની પ્રેસિડેન્ટ હોટલમાં રૂમ પણ બુક કરાવવામાં આવ્યો હતો. જ્યાં પહેલી જ મુલાકાતમાં વૃધ્ધે મહિલાની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એસીપી ડીજે ચાવડાએ એકતરફ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને બીજીતરફ પીઆઇ ઝેડ એન ધાસુરાએ ટીમને તાબડતોબ નાગપુર રવાના કરી આરોપી હરિપ્રસાદ જગન્નાથ રાઠી(એલઆઇજી-૫૬, વીએચ બી કોલોની,શાંતિનગર,નાગપુર)ને ઝડપી પાડયો હતો.