વાઘ બકરી ટી ગ્રૂપ, 132 વર્ષથી વધુ સમયથી ટી ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ છે, જેમણે ઉત્કર્ષ ટ્રસ્ટના સહયોગથી, મહિલાઓ અને કિશોરીઓને માસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને આજીવિકાની તકો દ્વારા સશક્ત કરવાના હેતુથી એક પરિવર્તનાત્મક પહેલ શરૂ કરી છે.
અમદાવાદના પાલોડિયાની પ્રાથમિક શાળામાં શરૂ કરાયેલી આ પહેલ પોષક તત્વો, માસિક સ્રાવમાં સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણ જેવા મહત્વના મુદ્દાઓને ઉકેલવા માટે લાંબા ગાળાના પ્રયત્નોની શરૂઆત દર્શાવે છે.
આ પહેલ બે મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રથમ મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અને માસિક સ્રાવની સ્વચ્છતા અંગે જાગૃતિ છે. બીજું મહિલાઓને નાસ્તા બનાવવાની તાલીમ આપીને આજીવિકાની તકો પૂરી પાડવાની છે, જેથી તેઓ આર્થિક રીતે પગભર થઇ શકે.
વાઘ બકરી ટી ગ્રૂપના ડાયરેક્ટર માલવી દેસાઈ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતાઓ અને કિશોરીઓ જોડાયા હતા, જેમણે આરોગ્ય તપાસ, પોષણ તત્વોના મહત્વ અંગે જાગૃતિ મેળવી હતી.
આ પહેલ અંગે વાત કરતા દેસાઈએ જણાવ્યું હતું કે, “એક જવાબદાર બિઝનેસ હાઉસ તરીકે, વાઘ બકરી ટી ગ્રુપે હંમેશા સમાજને પરત આપવા અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પહેલ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને સંબોધિત કરે છે અને ગ્રામીણ મહિલાઓને આર્થિક પગભર બનાવવા માટે કૌશલ્યથી સજ્જ કરે છે. અમને વિશ્વાસ છે કે આ પહેલ મહિલા લાભાર્થીઓના સશક્તિકરણને આગળ વધારશે અને અન્ય મહિલાઓ અને યુવતીઓને આર્થિક રીતે સશક્ત થવા માટે પણ પ્રેરિત કરશે.”
આ પહેલને વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા રૂ.3.24 લાખના નાણાકીય યોગદાન સાથે સમર્થન આપવામાં આવ્યું છે, જે સમુદાયના મજબૂત વિકાસ અને સામાજિક પરિવર્તન માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ પ્રેરણાત્મક કાર્યમાં ઉત્કર્ષ ટ્રસ્ટ વાઘ બકરી ટી ગ્રૂપના ભાગીદાર છે, જે મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સક્રિયપણે કાર્યરત છે. ટ્રસ્ટ વંચિત લોકો માટે કામ કરે છે. ટ્રસ્ટ મહિલાઓને સ્વ-સહાય જૂથો બનાવવા માટે મદદ કરે છે, અને માસિક સ્વાસ્થ્ય અને માસિક સ્વચ્છતા વિશે તેમની પુસ્તક ‘મુગ્ધા’ દ્વારા જાગૃતિ ફેલાવે છે.