” અંતવંત ઇમે દેહા: નિત્યસ્ય ઉક્તા: શરીરિણ:II
અનાશિન: અપ્રમેયસ્ય તસ્માત યુધ્યસ્વ ભારત II ૨/૧૮ II
અર્થ:-
” કદી નાશ ન પામતા અને માપી ન શકાય એવા સનાતન જીવાત્માઓનાં શરીર નાશવંત છે, તેથી હે ભારત, તું યુધ્ધ કર..”
માનવ શરીર નાશવંત છે તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. દેહનો નાશ નિશ્ર્ચિત છે, તેનો નાશ થતો કોઇ અટકાવી શકતું નથી. જ્યાં સુધી દેહમાં આત્મા હોય છે ત્યાં સુધી તેનો નાશ થતો નથી પણ જેમ જેમ સમય જાય છે તેમ દેહ જીર્ણ થતો જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે આત્મા દેહને ત્યજી દે છે અને પછી ટૂંક સમયમાં જ તે શરીરનો નાશ થઇ જાય છે. આમ દેહ નાશવંત હોવાથી પ્રભૂ અર્જુનને યુધ્ધ આરંભ કરવાનું આહવાન આપે છે. દેહને ધારણ કરનાર ચેતન તત્વ તે આત્મા છે તેનો નાશ ક્યારેય થતો નથી, વળી અહી બીજી એક બાબત પણ પ્રગટ થાય છે કે આપણે દેહની સાથે જ લડીએ છીએ. આત્મા સાથે આપણે ક્યારેય લડતા હોતા જ નથી. કામ ,ક્રોધ, મદ, મોહ અને લોભ, ઇર્ષ્યા વગેરે જે તે દેહને જ સબંધિત જ હોય છે. આ શ્ર્લોક એકલો જ વાંચીએ તો એવું પ્રથમ દ્રષ્ટિએ અભિપ્રેત થાય છે કે દેહો તો નાશવંત છે તેથી તેમની સાથે યુધ્ધ કરી શકાય. પણ ના એવું નથી, દરેક નાશવંત વસ્તુ કે જીવ આથે આપણને યુધ્ધ જ કરવાની ભગવાન પ્રેરણા આપે છે તેવો અર્થ ન કરાય. ખરેખર તો જે નાશવંત છે અને પાછા અનીતિ અથવા અધર્મનો સંગાથ રાખે છે તેમની સાથે યુધ્ધ કરવામાં અને તે યુધ્ધમાં તેમનો એટલે કે તે દેહોનો નાશ થાય તો તેમાં કશું જ વાંધાજનક નહિ હોવાથી ભગવાન અર્જુનને યુધ્ધ કરવા જણાવે છે. અસ્તું.
અનંત પટેલ