નસવાડી તાલુકાના છેવાડાના ગામોમાં પણ સ્વાવલંબનની આશાઓ પાંગરવા લાગી છે. આ એવી જ એક ગાથા છે, ‘મિશન મંગલમ’ હેઠળ કાર્યરત સખી મંડળોની, જે મહિલાઓના જીવનમાં મોટી ફેરફાર લાવી રહી છે. કોલંબા ગામમાં વસતી સોલંકી પીનલબેન દિલીપસિંહની વાત કરવી છે. સામાન્ય ગ્રામીણ પરિવારમાંથી આવનાર પીનલબેન જ્યારે ‘સત્ય સખી મંડળ’ સાથે જોડાયા ત્યારે કદાચ એમને ખબર પણ નહોતી કે આ મંડળ એમના જીવનમાં અનોખી ઉર્જાનો સ્રોત બની જશે.
પીનલબેન ના ઘર ની વાત કરિયે તો તેમના ઘરમાં તેમના મમ્મી પપ્પા અને નાની બહેન બધા સાથે રહેતા. તેમના પપ્પા ખેતી કામ કરતા ઘરની પરસ્થિતિ એટલી સારી નહોતી છતાં તેમણે ગ્રેજ્યુએશન પાસ થયા. તેમને જીવનમાં કંઈક કરવાની ધગશ અને દ્રઢ નિશ્ચય હતો. પીનલબેન ઘરેથી સિવણનું કામ કરતા સાથે તેમની બહેનના શિક્ષણની જવાબદારી સંભાળતા તેમને કુશળતા અને અભ્યાસ જોતા તેમની એક સખી દ્વારા સત્ય સખી મંડળ જોડવાની વાત કરી.
સખી મંડળ સાથે જોડાયા બાદ પીનલબેનને RSETI (ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા) દ્વારા ‘BC સખી’ તરીકે તાલીમ મળેલી. આ તાલીમ માત્ર જ્ઞાન પૂરું પાડતી નહીં, પરંતુ નવા વિશ્વના દરવાજા પણ ખોલતી. પીનલબેનને ‘સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા’માં ‘BC’ તરીકે નોકરી મળી અને આજે તે દરરોજ 1 લાખથી 2 લાખ રૂપિયાનું લેવડ-દેવડ કરે છે. માસિક 5000 થી 6000 રૂપિયાનું કમિશન મેળવતી પીનલબેન હવે માત્ર આર્થિક રીતે સક્ષમ જ નહીં, પરંતુ સમાજમાં એક પ્રેરણા બની છે. “મારા જીવનમાં આર્થિક સ્તરથી લઈને જીવન ધોરણ સુધીના મોટા પરિવર્તન માટે સખી મંડળ અને ‘મિશન મંગલમ’નો હું હ્રદયપૂર્વક આભાર માનું છું,” તે કહે છે.
આ સફળતા માત્ર પીનલબેનની જ નથી, પરંતુ કોલંબા ગામ અને આસપાસના વિસ્તારોની તમામ મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. પીનલબેન અન્ય મહિલાઓને સખી મંડળમાં જોડાવી, બેંક લોન દ્વારા આર્થિક રીતે મજબૂત બનવા માટે મદદરૂપ બની. આ લોનથી મહિલાઓએ પોતાના ગૃહઉદ્યોગ શરૂ કર્યા અને જીવન ધોરણમાં સુધારો કર્યો. પીનલબેનની પ્રેરણાથી તેઓ વધુ મજબૂત અને સ્વાવલંબી બન્યા છે. પીનલબેનના સખી મંડળને રૂ. 6,00,000ની સી.સી. લોન અને રૂ. 50,000નું સી.આઈ.એફ. મળ્યું, જેનાથી તેઓએ અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પણ વધારી શક્યા.
આગામી દિવસોમાં, ‘મિશન મંગલમ’ અને સખી મંડળોની આ દિશામાં યાત્રા કોઈ સામાન્ય સફર નહીં, પરંતુ દરેક મહિલાના સપનાને સાકાર કરતી યોજના બની રહેશે.