સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત નિપજયા હતા. અલમોડાના કિનાથથી રામનગર જઈ રહેલી પેસેન્જર બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી અને તેમાં 22 લોકોનાં મોત નિપજયા હતા.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 3,30,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પંજાબ સ્થિત રામકથાના શ્રોતાઓ આ ઘટનાની વિગતો એકઠી કરી રહ્યા છે અને મૃતકોના પરિવારજનોના બેંક એકાઉન્ટ નંબર મેળવી ટ્રસ્ટ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
નોંધનીય છે કે ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના સલ્ટ વિકાસખંડના મરચૂલામાં સોમવારે સવારે ભયંકર માર્ગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દિવાળીનો તહવાર ઉજવ્યા પછી મુસાફરો પોતાના શહેર પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. 43 સીટર બસમાં 63 જેટલા મુસાફરો સવાર હતા.