અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે. સિંહણ બાળકીને લઇને દૂર ભાગી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા છે. સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં છે. સિંહણનું લોકેશન શોધવા કવાયત હાથ ધરાઇ છે. આ ઘટનાને પગલે ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર પંથકનો જંગલ વિસ્તાર સિંહોનું ઘર કહેવાય છે. અહીં સિંહ અવાર-નવાર જોવા મળે છે. ઘણીવાર જંગલ વિસ્તારમાંથી ભટકી જતાં શિકાર અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. ત્યારે અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક એક સિંહણ અચાનક આવી ચઢી હતી. ત્યારે તેણે 7 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી. ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાની 7 વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી, ગ્રામજનો, વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ આદરી હતી. આખરે શોધખોળ દરમિયાન બાળકીના પગ મળી આવ્યા હતા. આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે, તેમજ સ્થાનિક રહીશોમાં વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાને લઇને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વન વિભાગના કર્મચારીઓ હાલમાં સિંહણનું લોકેશન ટ્રેક કરવા માટે કામગીરીમાં જોતરાઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલાં જીકાદ્રી ગામમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. વન વિભાગના કર્મચારીઓ હાલમાં સિંહણનું લોકેશન ટ્રેક કરવા માટે કામગીરીમાં જોતરાઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલાં જીકાદ્રી ગામમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.