અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ બુધવારે અયોધ્યામાં રામાયણ વાચક રામકિંકરજી મહારાજના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો.
રામકિંકરજી મહારાજનું રામકથા જગતમાં “યુગ તુલસી”ના રૂપમાં સન્માન કરવામાં આવે છે. તેમની જન્મ શતાબ્દી ના ભાગરૂપે અયોધ્યામાં 29 ઓક્ટોબરથી 01 નવેમ્બર દરમિયાન એક વિશેષ કાર્યક્રમ ‘યુગતુલસી મહારાજ શ્રી રામકિંકરજી શત જયંતી મહા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરમાંથી આવેલા સંતો અને આધ્યાત્મિક ગુરુઓની ઉપસ્થિતિને સંબોધિત કરતાં પૂજ્ય મોરારી બાપૂએ રામકિંકરજી મહારાજને શ્રદ્ધાંજલી આપીને આધ્યાત્મિક ગુરુ પ્રત્યે પોતાની ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી.
પોતાના ભાવપૂર્ણ સંબોધનમાં મોરારી બાપૂએ પૂજ્ય રામકિંકરજી મહારાજ સાથે વિતાવેલી ક્ષણો યાદ કરી હતી અને કહ્યું કે, પહેલીવાર તેમણે મહારાજને મુંબઇમાં બિરલા માતોશ્રી ભવનમાં સાંભળ્યાં હતાં ત્યારબાદ ગુજરાતના વિરમગામ અને ચિત્રકૂટમાં મુલાકાત થઈ હતી. મોરારીબાપુએ કહ્યું કે ચિત્રકૂટ માં તો તેમને મહારાજજી સાથે રહેવાની પણ તક મળી હતી.
તેમણે જણાવ્યું કે મહારાજની અનોખી રીતે રામાયણને પ્રસ્તુત કરવાની ક્ષમતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતી હતી.
દીદી માં મંદાકિની જી, અનેક સંતો, આધ્યાત્મિક ગુરુ અને ભક્તો સાથે યુગ તુલસી રામકિંકરજી મહારાજના જીવન અને શિક્ષાઓનું સ્મરણ કરવા માટે જન્મ શતાબ્દી સમારોહમાં ભાવ-ભક્તિપૂર્ણ ભાગ લઇ રહ્યાં છે તેથી સુનિશ્ચિત કરી શકાય કે તેમનો વારસો અને શિક્ષા વિશ્વભરના આધ્યાત્મિક સાધકોને પ્રેરિત કરતાં રહેશે.