ટોરેન્ટો : કેનેડામાં ઇમિગ્રન્ટો દ્વારા સૌથી વધુ બોલાતી ભાષામાં પહેલા ક્રમાંકે પંજાબી, બીજા ક્રમાંકે હિન્દી બાદ ત્રીજું સ્થાન આપણી ગુજરાતી ભાષાને મળ્યું છે. હાલમાં ઉપલબ્ધ ડેટા મુજબ 1980થી અત્યાર સુધીમાં કેનેડામાં 87,900 ગુજરાતીભાષી લોકો સ્થાયી થયા છે અને 2016થી 2021ના સમયગાળા દરમ્યાન એમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમ્યાન પંજાબી બોલતા લોકોની સંખ્યા 75,475 અને હિન્દી બોલનારા લોકોની સંખ્યા 35,170 વધી હતી, પણ ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા 22,935 જેટલી વધી હતી. મલયાલમ અને બંગાળી બોલનારા લોકોની સંખ્યા અનુક્રમે 15,440 અને 13,835 રહી હતી. 2011થી 2021નાં 10 વર્ષના સમયગાળામાં ગુજરાતીઓની સંખ્યામાં 26 ટકાનો વધારો થયો હતો. 1991થી 2000 વચ્ચે 13,365 ગુજરાતીભાષી લોકો કેનેડામાં સ્થાયી થયા હતા. 2001થી 2011 વચ્ચે આ આંકડો વધીને 29.620 થયો હતો અને 2011થી 2021 વચ્ચે એ વધીને 37,405 થયો હતો. પંજાબી બોલનારાઓની સંખ્યા 22 ટકા વધી હતી, પણ હિન્દીભાષી લોકોની સંખ્યા 114 ટકા વધી હતી.
વિદેશમાં સ્થાયી થવા માગતા ગુજરાતીઓનું કેનેડા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. વિદેશમાં સૌપ્રથમ તો જો તમને જણાવીએ અમેરિકામાં વીઝા પ્રોસેસ લાંબી ચાલે છે અને યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડમાં ઘણા પ્રતિબંધ આવ્યા છે. આથી લોકો કેનેડા જવાનું વધારે પસંદ કરે છે. કેનેડામાં પર્મનન્ટ રેસિડન્સી વીઝા પ્રોસેસ સરળ છે અને ઓછી શૈક્ષણિક યોગ્યતામાં પણ વીઝા મળી જાય છે. સ્ટુડન્ટ વીઝા સરળતાથી મળે છે. જોકે હાલમાં કેનેડાએ ઇમિગ્રેશન પોલિસીમાં સુધારા કર્યા હોવાથી પર્મનન્ટ રેસિડન્સી મેળવવા માટે પૂછપરછ કરનારા લોકોમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું અમદાવાદના એક વીઝા કન્સલ્ટને જણાવ્યું હતું. 2011થી 2021 વચ્ચે કેનેડામાં સ્થાયી થનારા લોકોમાં કચ્છી ભાષા બોલનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. 2001થી 2011 વચ્ચે કચ્છી બોલનારા 460 લોકો કેનેડામાં સ્થાયી થયા હતા, પણ 2011થી 2021 વચ્ચે કચ્છી બોલનારા ઇમિગ્રન્ટની સંખ્યા ઘટીને 370 થઈ હતી.