ગુજરાતમાં યુવાઓ દારુ- ડ્રગ્સ જ નહી, પેઇનકિલર્સ મેડીસીનના પણ બંધાણી બની રહ્યાં છે. ટ્રામાડોલ અને બુપેનોફ્રીન નામની પેઇનકિલર્સનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. પ્રિસ્ક્રિપ્શન વિના આ પ્રતિબંધિત મેડીસીનનું વેચાણ કરી શકાય નહી તેમ છતાંય આ દવાઓનો નશા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવાઓથી માંડીને વૃદ્ધો ટ્રામાડોલ અને બુપેનોફ્રીનના બંધાણી બન્યાં છે.
નશા માટે ઉપયોગમાં લેવાતી આ દવા સાયકોએક્ટિવ મેડીસીન તરીકે પણ ઓળખાય છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં આ પ્રતિબંધિત દવાનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ કુલ મળીને 1208 કેસો નોધાયા છે. ટ્રામાડોલ અને બુપેનોફ્રીનએ પેઇનકિલર છે. આ ઉપરાંત આ દવા કેન્સર જેવી ગંભીર બિમારીમાં પણ ઉપયોગમાં લેવાય છે. આ દવાઓની ઘણી સાઇડ ઇફેક્ટ છે કેમ કે, વઘુ પ્રમાણમાં લેવામાં આવે તો લિવરને નુકશાન પહોંચી શકે છે. આ દવા રમતવીરો માટે પણ પ્રતિબંધિત છે. આ દવા મૂડ, ફિલીંગ્સ અને વ્યવહાર પર ખૂબ જ પ્રભાવ નાંખે છે. વ્યસની યુવાઓ બંને દવાનો ‘ઓપીઓઇડ ’ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. મોર્ફિન કરતાં ય આ દવા વઘુ શક્તિશાળી ગણાય છે. સામાન્ય રીતે પ્રિસ્ક્રિપ્શન વિના આ પ્રતિબંધિત દવાનું વેચાણ કરી શકાય નહી તેમ છતાંય આ દવાની તસ્કરી થઇ રહી છે. આ ઉપરાંત ઘણાં લોકો ગેરકાયેદસર રીતે આ દવા ખરીદી નશો કરે છે.
કેન્દ્રીય ગૃહવિભાગ લોકસભામાં વિગતો આપી છેકે, વર્ષ 2018, વર્ષ 2019, વર્ષ 2020 અને વર્ષ 2021માં ગુજરાતમાં ટ્રામાડોલ અને બુપેનોફ્રીનનો ગેરકાયેદસર ઉપયોગ કરવા બદલ કુલ મળીને 1208 કેસો પોલીસ ચોપડે નોંધાયા હતાં. ચિતાજનક વાત એ છે કે, આ દવાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ વધી રહ્યો છે. અમદાવાદમાં વ્યસન મુક્તિ કેન્દ્ર પર અફીણના નશાથી મુક્તિ મેળવવા માટે આવનારાંને બુપેનોફ્રીન દવાથી ઇલાજ કરવામાં આવે છે. તબીબો કહે છેકે, અફીણનો નશો છુટી જાય પણ દર્દી જતા દિવસે બુપેનોફ્રીન દવાનો બંધાણી બની જાય છે. ઘણાં કિસ્સામાં યુવાઓ બુપેનોફ્રીનની 30-40 ટેબલેટ લઇ નશો કરતાં હોવાનુ પણ જોવા મળ્યુ છે. અમદાવાદ જેવા મોટા શહેરો જ નહી, બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તારો ઉપરાંત રાજસ્થાનમાં આ દવાનો ઘૂમ ઉપયોગ થઇ રહ્યો છે. ટૂંકમાં, પિડારહીત દવાઓ હવે નશા માટે ઉપયોગમાં લેવાઇ રહી છે. યુવાઓથી માંડીને વૃઘ્ધો કૃત્રિમ ઓપીયોઇડ્સના બંધાણી બન્યાં છે.