અમદાવાદ : માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તેમની મન કી બાતના સંબોધનમાં સ્થાનિક વિક્રેતાઓ પાસેથી વસ્તુઓ ખરીદવા અંગે આગ્રહ કર્યો હતો. જેનાથી પ્રોત્સાહિત થઇને દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ દ્વારા ‘વોકલ ફોર લોકલ’ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું, શાળા દ્વારા સતત ત્રીજી વખત સફળ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કલ્યાણી સહકારી મહિલા વિકાસ સંઘના પ્રમુખ શ્રીમતી હેતલ અમીન, ડીપીએસ બોપલના ડિરેક્ટર વંદના જોષી અને પ્રિન્સિપલ સબીના સાહની દ્વારા કરવામાં આવ્યું હતું. માનનીય અતિથિ વિશેષે ભાગ લેનાર વિક્રેતાઓને પ્રેરણા આપી, સાથે જ સ્થાનિક વ્યવસાયોને સશક્ત બનાવવાના શાળાના સમર્પણની પ્રસંશા કરી. ડીપીએસ બોપલના ડિરેક્ટર વંદના જોષીએ તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમૂદાયને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા અને તેને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. આ સામૂહિક પ્રયાસ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. ડીપીએસ બોપલના પ્રિન્સિપલ સબીના સાહનીએ કહ્યું કે, “‘વોકલ ફોર લોકલ’ને સમર્થન આપવા સાથે સ્થાનિક કારીગરો અને વ્યવસાયોને ટેકો આપી સ્વદેશીની ભાવના પુનર્જીવિત કરવા અને દરેક નાગરિકમાં ‘આત્મ નિર્ભર ભારત’ની નૈતિકતાને મજબૂત કરવા માટે જરૂરી છે.”
આ ઝુંબેશનો મુખ્ય ધ્યેય સ્થાનિક વિક્રેતાઓને તેમના ઉત્પાદનોના પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરૂ પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવી, આનંદ પ્રસરાવી અને તેમની વચ્ચે પરિપૂર્ણતાની ભાવના જગાડવાનો હતો. જે રીતે ગ્રાહકોની ઓનલાઇન શોપિંગની આદતોમાં વધારો થઇ રહ્યો છે, તેના પગલે સ્થાનિક વિક્રેતાઓની આજીવિકા પર નોંધપાત્ર અસર થઇ રહી છે. ત્યારે આ પહેલનો ઉદ્દેશ્ય તેમના હાથથી તૈયાર થયેલી વસ્તુઓ અંગે લોકોને માહિતગાર કરી, વેચાણમાં વધારો કરી અને તેમની આવક વધે તે અંગે જરૂરી સહાય પૂરી પાડવાનો હતો.
આ કાર્યક્રમમાં NGO, ગૃહ ઉદ્યોગો સહિત 50 સ્થાનિક વિક્રેતાઓ હતા, જેમણે તેમના વિવિધ ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શનમાં મૂકી હતી. હાથથી બનાવેલા સ્વાદિષ્ટ નાસ્તા, મીઠાઇઓ, ચોકલેટ્સથી માંડીને જ્વેલરી, વાઇબ્રન્ટ કૂર્તીઓ, હેન્ડક્રાફ્ટ બેગ્સ, ટ્રેડિશનલ દિવા સહિતની હોમ ડેકોરની વૈવિધ્યસભર વસ્તુઓના સ્ટોલ હતા. જે સ્થાનિક કારીગરોની કારીગરીનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પુરાવો છે.
આ અર્થપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય માત્ર સ્થાનિક ઉત્પાદનોમાં રસ વધારવાનો ન હતો, પરંતુ સમાવેશી, વૈવિધ્યસભર અને સમાન સમુદાયોના નિર્માણમાં મહત્વની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાનો છે. જે આપણને બધાને યાદ અપાવે છે કે સ્થાનિક વ્યવસાયોને સમર્થન આપી અને આપણે આપણા દેશ માટે વધુ મજબૂત અને સ્થિર ભવિષ્યમાં યોગદાન આપવાનું છે.