છોટા ઉદેપુર : ફરી એકવાર છોટા ઉદેપુરથી કહેવાતા વિકાસશીલ ગુજરાતના દાવાની પોલ ખોલતા દ્રષ્યો છોટાઉદેપુરથી જ સામે આવ્યા છે. જ્યા રસ્તાના અભાવે તુરખેડા ગામની પ્રસુતાના મોતની ઘટનાને માંડ મહિનો વીત્યો હશે ત્યા ફરી એ જ ગામની માનુકલા ફળીયાની પ્રસુતાને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને લઈ જવાની ફરજ પડી. ગામમાં સારો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પહોંચે તે શક્ય ન હોવાથી છાશવારે બને છે તેમ જ સગર્ભા મહિલાને ઝોળીમાં નાખીને લઈ જવાનો વારો આવ્યો.
એક તરફ મહિલાને પ્રસુતીની પીડા અને ઉપરથી ઉબડ-ખાબડ રસ્તા પર જીવના જોખમે, જીવ હથેળીમાં રાખી ઝોળીમાં ઝુલતા ઝુલતા પસાર થવાનુ. આ મહિલાની માનસિક કે શારીરિક પીડાની તો કહેવાતા અધિકારીઓને કલ્પના શુધ્ધા નથી. એક – બે મીટર નહીં પરંતુ આ રીતે ત્રણ કિલોમીટરનો રસ્તો સગર્ભાને આ રીતે ઝોળીમાં નાખીને પસાર કરાવવામાં આવ્યો અને આંબા ડુંગર સુધી પહોંચાડવામાં આવી. જે બાદ ત્યાં 108 આવી પહોંચતા મહિલાને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી. પ્રસુતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. પરંતુ મુદ્દો એ છે કે સારવાર મોડી મળવાને લીધે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો ? આ મુદ્દે હાઈકોર્ટ પણ ફટકાર લગાવી ચુકી છે. કોર્ટે પણ સુઓમોટો લઈ ગામની સુવિધા વધારવા ટકોર કરી છે પરંતુ તંત્ર માત્ર સરવે કરાવીને સંતોષ માની રહ્યુ છે. સરકારે કરોડોના ખર્ચે રસ્તો બનાવવાની જાહેરાત તો કરી દીધી પરંતુ જમીન પર કોઈ કામગીરી દેખાતી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગૃહમંત્રી કે પ્રધાનમંત્રી મુલાકાત લેવાના હોય તો રાતોરાત નવાનક્કોર રસ્તા તૈયાર થઈ જાય છે પરંતુ સામાન્ય લોકો માટે એક 20-20 દિવસ બાદ પણ રસ્તો બનાવવાની શરૂઆત પણ થતી નથી.
આટલુ ઓછુ હોય તેમ સ્થાનિકના જણાવ્યા મુજબ કડીપાણી આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ પણ નથી. આ અંગે સ્થાનિક ધારાસભ્યને પૂછવામાં આવ્યુ તો તેમણે પણ કાયમી ડૉક્ટર ન હોવાનો સ્વીકાર કર્યો. જો કે લુલો બચાવ કરતા સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાએ વહેલી તકે રસ્તો બનાવવાની ખાતરી આપી. હવે આ વહેલી તકે ક્યારે આવશે તે તો તેઓ જ જાણે. ધારાસભ્યના જણાવ્યા મુજબ બે થી ત્રણવાર સરવે પણ કરી ચુક્યા છે. રસ્તો બનાવવાની દરખાસ્ત સરકારને આપી છે. ત્યારે તંત્ર હજુ સરવેમાંથી જ ઉંચુ નથી આવ્યુ. જો કે આ અંતરિયાળ જિલ્લાઓની વરવી હકીકત એ છે કે અહીં 20 દિવસના અંતરાલમાં જ આવા ચિંતાજનક દૃશ્યો જોવા મળી રહ્યા છે.
તુરખેડામાં પણ રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો. તે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકી અને બાળકને જન્મ આપી મોતને ભેટી હતી. આ ઘટનાના અઠવાડિયા બાદ જ. ફરી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. સરવે માટે પહોંચેલી ખાનગી એમ્બ્યુલન્સ જ અટવાઈ ગઈ. આખરે ગ્રામજનોએ ધક્કો મારીને એમ્બ્યુલન્સને બહાર કાઢી. જો કે સારી વાત એ હતી કે આ દરમિયાન સગર્ભાની મદદ માટે આવેલી 108 સમયસર ગામે પહોંચી અને એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવાઈ. પરંતુ, તે વખતે પણ 3 કિ.મી. સુધી સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો. અને આ વખતે ફરી માનકુલા ફળિયામાંથી કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સવાલ એ છે વિકાસના દાવા વચ્ચે લોકોને પાયાની સુવિધા ક્યારે મળશે? એકતરફ આઝાદીના અમૃત મહોત્સવની રંગે ચંગે ઉજવણી તો કરાઈ રહી છે પરંતુ આ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી રોડ રસ્તાની સુવિધા પણ પહોંચી નથી. તેઓ તો એ જ નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર છે. આ લોકોને વિકાસના મીઠા ફળ ચાખવા ક્યારે મળશે તે મોટો સવાલ છે. વિકાસ એટલે માત્ર શહેરની ઝાકઝમાળ રોશની અને ગગનચુંબી ઈમારતો જ નથી હોતી. છેવાડાના સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી સુવિધા પહોંચે તો ખરો વિકાસ થયો કહેવાય. માત્ર ૫ શહેરોના વિકાસમાં સમગ્ર ગુજરાત નથી આવી જતુ. આ વાત સત્તાધિશોના ધ્યાને કેમ આવતી નથી કે જોવા જ માગતા નથી?