અમદાવાદ : ડિજિટલ એરેસ્ટના ગુનામાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં તાઇવાનના ચાર નાગરિકની ધરપકડ કરી છે. દિલ્હી અને બેંગ્લોરથી આ ધરપકડ કરવામાં આવી છે.
ડિજિટલ એરેસ્ટના ગુનામાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જુદી-જુદી એજન્સીઓની ઓળખ આપીને આરોપીઓ ઠગાઈ કરતાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે આઇપી એડ્રેસના આધારે તેમની ધરપકડ કરી છે. હાલ દેશમાં ડિજિટલ એરેસ્ટના ગુનાઓ વધી રહ્યાં છે જેને લઈ લોકોના કરોડો રૂપિયા ઠગો લઈ ગયા છે, આવા ઠગોને ઝડપવા માટે સાયબર ક્રાઈમ સક્રિય છે અને કામગીરી કરી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અલગ-અલગ ડિજિટલ એરેસ્ટના ગુનામાં તાઈવાની નાગરિકોની ધરપકડ કરી છે આ આરોપીઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. અલગ-અલગ એજન્સીઓના નામે ફોન કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. દિલ્હી અને બેંગ્લોરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ એક પોલીસ સ્ટેશન જેવો સ્ટુડિયો ઉભો કરીને વીડિયો કોલ મારફતે ભોગ બનનાર પાસેથી રૂપિયા સેરવી લેતા હતા, હાલમાં પોલીસે એ તપાસ હાથધરી છે કે ગુજરાત સિવાય અન્ય કયા રાજયોમાં આરોપીઓએ આ પ્રકારના ગુના કર્યા છે અને તે ગુનાનો ભેદ ઉકેલાશે તો અન્ય ગુના પણ સાયબર ક્રાઈમ નોંધી શકે છે.
સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે. ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો. ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે.