વડોદરા વારસિયામાં આવેશમાં આવીને પતિએ પત્નીના ગળા પર છરી ફેરવી દઇ જાતે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જોકે, આ ઘટનામાં પત્નીનો જીવ બચી ગયો હતો. પંરતુ, પતિનું મોત થયું હતું. આવતીકાલે મૃતકના પરિવારજનો આવ્યા પછી પી.એમ. કરાવવામાં આવશે. અનેક શંકાઓ વચ્ચે પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઇ રહી છે.
વારસિયાની સંતકંવર કોલોનીમાં રહેતા જ્યોત્સનાબેન ઉર્ફે જ્યોતિ વાઘારામ સરગરા મૂળ રાજસ્થાનના વતની છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન 22 વર્ષ પહેલા વાઘારામ મોહનલાલ મારવાડી સાથે થયા હતા. લગ્ન પછી હું મારી સાસરીમાં રહેવા ગઇ હતી. મારા પતિ કડિયા કામની મજૂરી કરતા હતા. મારે સાસરીમાં ક્યારેય કોઇ અણબનાવ કે ઝઘડો થયો નથી. ચાર વર્ષ પહેલા મારા દિયેર દિલખુશે મારા પતિ સાથે ઝઘડો કરી માર મારતા હું મારા પતિને લઇને વડોદરા મારી માતા સીતાબેનની સાથે રહેવા આવી ગઇ હતી.
મારા પતિ હાથીખાનમાં મજૂરી કામ કરતા હતા. ત્યારબાદ અમે અલગ અલગ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા ચાર વર્ષથી અમે વારસિયામાં રહીએ છીએ. મારે સંતાન નથી. અમારા પતિ – પત્ની વચ્ચે ક્યારેય સંતાન બાબતે ઝઘડો થયો નથી. ગઇકાલે રાતે હું તથા મારા પતિ જમીને સૂઇ ગયા હતા. આજે વહેલી સવારે પોણા ચાર વાગ્યે મારા પતિએ મને ઉઠાડી મારી પાસે 20 રૂપિયા માંગ્યા હતા. મેં પૂછ્યું કે રૂપિયાનું શું કરવું છે? મારા પતિએ જવાબ આપ્યો કે, મારે દારૂ પીવા માટે જવું છે. જેથી, મેં 20 રૃપિયા આપ્યા નહતા. મારા પતિ કપડાની થેલીમાં મૂકેલા 20 કાઢીને દારૂ પીવા માટે જતા રહ્યા હતા. પાંચ વાગ્યે મારા પતિ પરત આવી મને કહેવા લાગ્યા કે, આજે મારે મરવું છે. મેં તેઓેને પૂછ્યું કે, કેમ મરવું છે? મેં તેઓને આવું નહી કરવા માટે હિંમત આપી હતી. છતાં તેઓ માન્યા નહતા અને મકાનના દાદર પર જઇને બેસી ગયા હતા. સવારે પોણા છ વાગ્યે મારા પતિ દાદર પરથી ઉભા થઇને બાથરૂમમાં જઇ હાથ પગ ધોઇ મારી પાસે બેસીને કહેવા લાગ્યા કે, આજે હું તને પહેલા મારીશ. પછી હું મરી જઇશ. મારા પતિએ શાકભાજી સમારવાની છરી વડે મારા ગળા પર ઇજા કરી ખાટલાની નાયલોનની પાટી પંખાના હુક સાથે બાંધી ગળા ફાંસો ખાધો હતો. મને સાધારણ ઇજા થઇ હોઇ ઉભી થઇને છરી વડે નાયલોનની દોરી કાપી નાંખી હતી. મારા પતિને મેં જમીન પર સુવડાવી દીધા હતા. તેઓની આંખો બહાર નીકળી ગઇ હતી. તેઓની હાલત જોઇને મને થયું કે, તેઓનું મરણ થયું છે. સાડા આઠ વાગ્યે મેં મારા મામાને ફોન કરીને જાણ કરી હતી. મારા મામા અને તેમનો દીકરો તથા મારો ભાઇ ઘરે દોડી આવ્યા હતા.