બે જૂથો વચ્ચેની અથડામણમાં શિયા-સુન્ની
નવીદિલ્હી : ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ફરી એકવાર શિયા-સુન્ની હિંસા ફાટી નીકળી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુર્રમ જિલ્લામાં શનિવારે બે જૂથો વચ્ચેની અથડામણમાં બે મહિલાઓ અને એક બાળક સહિત ૧૬ લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા. આ અથડામણમાં બંને પક્ષના લોકોએ એકબીજા પર હથિયારો વડે હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણ વહેલી સવારે શરૂ થઈ જ્યારે મકબાલ આદિવાસીઓએ કથિત રીતે ગોળીબાર કર્યો, જેમાં કાંજ અલીઝાઈના બે આદિવાસીઓ ઘાયલ થયા. આ ઘટના પછી તરત જ, અથડામણ જિલ્લાના ઘણા ભાગોમાં ફેલાઈ ગઈ અને મુસાફરો અને અન્ય વાહનો પર પણ હુમલાઓ શરૂ થઈ ગયા. આ પહેલો કિસ્સો નથી; પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સુન્ની અને શિયા મુસ્લિમ જાતિઓ વચ્ચે કેટલાક મહિનાઓથી અવાર-નવાર લડાઈ ચાલી રહી છે. વહીવટીતંત્ર આ અથડામણોને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.
પાકિસ્તાનના કુર્રમ પ્રદેશમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચે લોહિયાળ સંઘર્ષનો ઇતિહાસ છે, જેમાં વર્ષોથી સેંકડો લોકોના જીવ ગયા છે. કુર્રમ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે એએફપીને જણાવ્યું કે શનિવારે અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ સુન્નીઓનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોતના અહેવાલ છે. આ હુમલા બાદ સુરક્ષા માટે તૈનાત પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં શિયા પક્ષના બે હુમલાખોરોના પણ મોત થયા હતા. જુલાઈ અને સપ્ટેમ્બરમાં થયેલી અથડામણમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. જિરગા અથવા આદિજાતિ પરિષદ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત બાદ જ આ અથડામણોનો અંત આવ્યો હતો. સત્તાવાળાઓ ફરી શરૂ થયેલી હિંસા રોકવા માટે નવા યુદ્ધવિરામનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આદિવાસી અને પારિવારિક સંઘર્ષો સામાન્ય છે. પાકિસ્તાનમાં શિયા સમુદાય, મુખ્યત્વે સુન્ની મુસ્લિમ દેશ, લાંબા સમયથી ભેદભાવ અને હિંસાનો શિકાર છે. જેની સામે શિયા સંગઠનો સમયાંતરે અવાજ ઉઠાવતા રહે છે.