ટેકનોલોજી સાથે હેકિંગ પદ્ધતિ પણ ખૂબ આગળ વધી રહી છે ત્યારે હવે ઓનલાઇન ડેટાને વધારે સિક્યોર બનાવવા માટે પાસવર્ડલેસ લોગઇન પદ્ધતિનો ઉપયોગ વધ્યો છે. ઉપરાંત આ સિસ્ટમ વધારે સિક્યોર છે. તેમ એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે યોજાયેલી હેકર્સ મીટમાં વિરલ પરમારે કહ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં એટેકિંગ વેબ એપ્લિકેશન, મોડર્ન ઓથેન્ટિકેશન અને સર્વર સિક્યોરિટી વિશે પણ વાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટસ જોડાયા હતા.
પાસવર્ડલેસ લોગ ઇન પદ્ધતિમાં ઓટીપી, ઇ-મેલ લિંક અને થર્ડ પાર્ટી કોડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણેય પદ્ધતિમાં સિક્યોરિટી લેવલ વધારે હોવાથી ડેટા હેક થવાની સંભાવના ઓછી જોવા મળે છે. પાસવર્ડલેસ લોગઇનમાં જનરેટ થતી લિંક કેટલીક મિનિટ માટે જ હોવાથી હેકર્સને હેકિંગ માટે વધારે સમય મળતો નથી. તે માટે પણ આ ટેકનોલોજી વધારે સિક્યોર ગણી શકાય છે.
વર્તમાન સમયમાં હેકિંગ અને ફ્રોડથી બચવા માટે બેકિંગ સેક્ટરમાં ફિંગર સેન્સરનો ઉપયોગ પાસવર્ડ તરીકે કરવામાં આવે છે. વ્યક્તિની ફિંગર પ્રિન્ટ યુનિક હોય છે જેને કોપી કરવી મુશ્કેલ હોય છે. તેથી આગામી સમયમાં પાસવર્ડ તરીકે ફિંગર સેન્સરનો ઉપયોગ વધારે થઇ શકે છે.