અમદાવાદ : ઇવા વુમન્સ હોસ્પિટલ, સેન્ટર ઓફ એક્સેલન્સ મહિલા આરોગ્ય સંભાળમાં અગ્રણી હેલ્થકેર પ્રોવાઇડર છે, જેણે બે દિવસમાં 17 જટિલ એન્ડોમેટ્રિઓસિસ સર્જરી હાથ ધરી.
જાણીતા ગાયનેક લેપ્રોસ્કોપિક એન્ડ ઓન્કો સર્જન અને ઇવા વિમેન્સ હોસ્પિટલના સ્થાપક ડૉ. દિપક લિમ્બાચીયા દ્વારા એન્ડોમેટ્રિઓસિસ સર્જરી અંગે હાથ ધરાયેલ વર્કશોપમાં સર્જરી કરવામાં આવી હતી. 25 અને 26 સપ્ટેમ્બરે યોજાયેલ આ વર્કશોપ વિશ્વનો પ્રથમ સત્તવાર રીતે જાહેર કરાયેલ હેન્ડ ઓન એન્ડોમેટ્રિઓસિસ ટ્રેનિંગ પ્રોગ્રામ હતો.
ટ્રેનિંગમાં ભાગ લેનાર તબીબોએ અદ્યતન લેપ્રોસ્કોપિક સર્જિકલ તકનીકો શીખી અને બે દિવસમાં 17 અત્યંત જટિલ સર્જરીઓ પણ કરી. જેમાં ચાર રિસેક્શન અને એનાસ્ટોમોસીસ પ્રક્રિયા, એન્ડોમેટ્રિઓસિસ કેસમાં યુરેટર રિપેર, અને 12 ડીપ ઇન્ફિટ્રેટિંગ એન્ડોમેટ્રિઓસિસ સર્જરી કરવામાં આવી હતી. આ વર્કશોપનો ઉદ્દેશ આંતરડાના રિસેક્શન અને એનાસ્ટોમોસિસ સાથે ગ્રેડ 4 એન્ડોમેટ્રિઓસિસ સર્જરી અંગે માહિતગાર કરવાનો હતો. આ જટિલ સર્જરી ડૉ દિપક લિમ્બાચીયા દ્વારા કરવામાં આવી હતી.
તાલીમ શિબિર અંગે વાત કરતા ડૉ લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે, “તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે, તેઓ ખૂબ જ સ્વસ્થ છે. અમને દર્દીઓની સેવા કરવાની તક મળી અને આ સેવામાં સહભાગી તબીબોએ પણ ભાગ લીધો જે તમામનો હું આભાર વ્યક્ત કરૂં છું.”
વર્કશોપમાં એક વિદેશી સહભાગી અને ત્રણ ભારતના સહભાગી સહિત 4 તબીબો પસંદ કરાયા હતા. વર્કશોપનો ઉદ્દેશ્ય એન્ડોમેટ્રિઓસિસની સારવારમાં અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને વિવિધ જગ્યાના સર્જનોને કુશળ બનાવવાનો હતો.
ડૉ. લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે, “હું માનું છું કે આ પ્રકારની હેન્ડ ઓન તાલીમ એન્ડોમેટ્રિઓસીસ જેવી પડકારજનક સ્થિતિનું સંચાલન કરવામાં કુશળતામાં વધારો કરી શકે છે.”
ડૉ લિમ્બાચીયા વર્ષ 2012થી નિયમિત તાલીમ સત્રો ચલાવી રહ્યાં છે, અને 2400થી પણ વધુ તબીબોને તાલીમ આપી ચૂક્યા છે, જે માર્ગદર્શન માટે તેમની પ્રતિબદ્ધતા અને સાથી તબીબી પ્રેક્ટિશનરોના સતત વ્યાવસાયિક વિકાસને દર્શાવે છે. સહભાગીઓને અદ્યતન તકનીકી તાલીમ આપવામાં આવે છે, જેમાં હાઇ-ટેક સાધનોનો ઉપયોગ અને જટિલ શસ્ત્રકિયા કરવાની નવી પદ્ધતિઓ શીખવવામાં આવે છે.
ડૉ. લિમ્બાચીયાએ વધુમાં કહ્યું હતું કે, “લેપ્રોસ્કોપિક સર્જનોની આગામી પેઢીને તાલીમ આપવાની પ્રતિબદ્ધતા મારા હૃદયની નજીક છે. સાથી તબીબોને લેપ્રોસ્કોપિમાં નવી પદ્ધતિ વિશે શીખતા અને તેમના સર્જીકલ કૌશલ્યમાં સુધારો કરતા જોવા ખૂબ જ સંતોષકારક છે, જેનાથી તેઓ તેમના દર્દીઓની વધારે સારી રીતે સંભાળ રાખી શકશે. મેં પ્રાપ્ત કરેલી કુશળતાને સાથી તબીબી પ્રેક્ટિશનરો સાથે શેર કરવા માટે પ્રતિબદ્ધ છું.”
બે દિવસીય વર્કશોપમાં ભાગ લેનાર તબીબોએ પ્રમાણિત સર્જીકલ અભિગમો પર ધ્યાન કેન્દ્રિત કરીને એન્ડોમેટ્રિઓસિસના વિવિધ ગ્રેડના સંચાલનમાં મૂલ્યવાન અનુભવો મેળવવા હતા. લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને માહિતીસભર લેક્ચર સાથે શીખવાનો અનુભવ વ્યવહારૂ અને વ્યાપક બને તે સુનિશ્ચિત કરે છે.