કોલકાતા : ઑગસ્ટ મહિનામાં કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજમાં જુનિયર ડૉક્ટર પર બળાત્કાર-હત્યાનો મામલો શાંત થયો નથી. જુનિયર તબીબોના આમરણાંત ઉપવાસ ચાલુ છે. તેમણે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર તેમની માંગણીઓ પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે, ડૉક્ટરોએ કોલકાતાના ધર્મતલામાં ડોરિના ક્રોસિંગ પર તેમનો વિરોધ શરૂ કર્યો અને શનિવારથી તેમના આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. જુનિયર ડોકટરોએ પશ્ચિમ બંગાળ સરકારને તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. અગાઉ, જુનિયર ડોકટરોએ રાજ્ય સરકાર સાથે લાંબી વાટાઘાટો બાદ 21 સપ્ટેમ્બરે તેમનું 42 દિવસનું આંદોલન સમાપ્ત કર્યું હતું. એક જુનિયર ડોક્ટરે કહ્યું કે રાજ્ય સરકાર સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ રહી છે અને તેથી અમે આમરણાંત ઉપવાસ શરૂ કરી રહ્યા છીએ, જે અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે. બધું સ્પષ્ટ રાખવા માટે, અમે સ્ટેજ પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે જ્યાં અમારા સાથીદારો ઉપવાસ કરી રહ્યા છે.
ડોકટરોએ કહ્યું કે તેણે ફરી ડ્યુટી શરૂ કરી દીધી હોવા છતાં તે કંઈ ખાશે નહીં. છ જુનિયર ડોક્ટરોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે જો ડોક્ટરોને કંઈ થશે તો મમતા બેનર્જીની ટીએમસી સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. આ 6 ડોકટરોના નામમાં કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સ્નિગ્ધા હઝરા, તનાયા પંજા અને અનુસ્તુપ મુખોપાધ્યાય, એસએસકેએમના અર્નબ મુખોપાધ્યાય, એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પુલસ્થ આચાર્ય અને કેપીસી મેડિકલ કોલેજના સયંતની ઘોષ હઝરાનો સમાવેશ થાય છે. ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે વિરોધ સ્થળે સ્ટેજ બનાવવાની મંજૂરી આપી ન હતી અને શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. જો કે, કોલકાતા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક છે. લાઠીચાર્જમાં સામેલ પોલીસકર્મીઓ સામે પણ ફરિયાદની માંગ કરવામાં આવી છે. જુનિયર ડોકટરોના વિરોધનો અંત આવ્યાને થોડા દિવસો જ થયા હતા અને હવે આમરણાંત ઉપવાસ શરૂ થયા છે.